સરકાર હવે બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ આપશે
રાજ્યમાં તૈયાર થનારી 500 સ્કૂલ ઓફ એક્સલેન્સમાં સૌપ્રથમ 84 મોડલ સ્કૂલોનો સમાવેશ કરી અદ્યતન બનાવાશે : બજેટમાં 24 કરોડ રૂપિયાની જોગવાઈ
ગુજરાતમાં હાલ 84 મોડલ સ્કૂલો આવેલી છે જેમાં હાલ માત્ર 9 જ સ્કૂલોમાં વિજ્ઞાાન પ્રવાહ ચાલે છે.પરંતુ હવે આગામી એપ્રિલથી તમામ મોડલ સ્કૂલોમાં વિજ્ઞાાન પ્રવાહ શરૂ કરાશે. આ ઉપરાંત સરકાર દ્વારા હવે મોડલ સ્કૂલોમાં ધો.6થી8માં પ્રવેશ માટે સ્ટેટ લેવલની કોમન પરીક્ષા લેવાશે.
ગુજરાત સરકારે 2024માં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ સર્વેમાં ભાગ લેવા માટે પ્રાથમિકથી માંડી માધ્યમિક-ઉ.મા.સુધીના શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા માટે આ વર્ષે બજેટમાં ખાસ જોગવાઈઓ કરાઈ છે અને આ વર્ષે શિક્ષણમા સૌથી વધુ 31 હજાર કરોડોથી વધુનું બજેટ ફાળવાયુ છે અને 500 સ્કૂલ ઓફ એક્સલેન્સ બનાવવાની જાહેરાત કરાઈ છે.
જે અંતર્ગત હાલની 84 મોડલ સ્કૂલોને સૌપ્રથમ અદ્યતન બનાવાશે અને સ્કૂલો ઓફ એક્સલેન્સમાં આ મોડલ સ્કૂલોને સામેલ કરાશે.હાલ રાજ્યમાં વિવિધ તાલુકાઓમાં ચાલતી મોડલ સ્કૂલો માત્ર ચાલવા ખાતર ચાલતી હોઈ અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હોઈ સરકાર દ્વારા હવે આ સ્કૂલોમા સંખ્યા વધારવા માટે અને ખાસ કરીને આ સ્કૂલો દ્વારા જેઈઈ-નીટ સહિતની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટે નિર્ણયો કર્યા છે.જેમાં સૌપ્રથમ તો આગામી નવા શૈક્ષણિક વર્ષથી તમામ મોડલ સ્કૂલોમાં ધો.11-12 વિજ્ઞાાન પ્રવાહ શરૂ કરવામા આવશે. જેમાં નીટ-જેઈઈનું કોચિંગ પણ અપાશે.
આ ઉપરાંત એડવાન્સ કોમ્પયુટર લેબ અને અન્ય સાયન્સ સ્ટ્રીમ લેબ પણ તૈયાર કરાશે.જે માટે બજેટમાં 4 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત ધો.11-12 વિજ્ઞાાન પ્રવાહ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા અલાયદા શિક્ષકો લેવામા આવશે અને જે માટે 20 કરોડ ફાળવાયા છે.
સરકાર દ્વારા હવે સરકારી મોડલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ કરાશે અને જેમાં નાના બાળકો માટે 3 કિ.મી. સુધીમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા અપાશે અને મોટા બાળકો માટે 5 કિ.મી.સુધીમાં ટ્રાન્સપોર્ટેશન અપાશે.
મોડલ સ્કૂલોને ખરા અર્થમાં સ્કૂલ ઓફ એક્સલેન્સ બનાવવા માટે મેરિટોરિયસ સ્ટુડન્ટસને પ્રવેશ અપાશે અને જે માટે હવે ધો.6થી8માં પ્રવેશ માટે સ્ટેટ લેવલની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે.જે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે. 20 એપ્રિલે પરીક્ષા લેવાશે જે માટે ઓનલાઈન રજિટ્રેશન થશે.