ટ્રાવેલ ડેસ્કઃ રામાયણની થીમ પર શ્રી રામાયણ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે. IRCTCના જણાવ્યાનુસાર, આ ટ્રેન ભગવાન રામ સાથે જોડાયેલી સ્થળોની તીર્થ યાત્રા કરાવશે. 16 રાત અને 17 દિવસની આ ટૂરની શરૂઆત 28 માર્ચથી દિલ્હીથી થશે. આ ટ્રેનમાં 10 કોચ હશે, તેમાં 5 સ્લીપર ક્લાસના નોન એસી કોચ અને પાંચ એસીના થ્રી ટાયર કોચ હશે. ટ્રેનમાં બુકિંગ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝ પર થશે.
આ સ્થળો જોવા મળશે
શ્રી રામાયણ એક્સપ્રેસની યાત્રામાં ભગવાન રામની જન્મભૂમિ (અયોધ્યા), ભારત મંદિર (નંદીગ્રામ), સીતા માતા મંદિર (સીતામઢી), જનકપુર (નેપાળ), તુલસી માનસ મંદિર અને સંકટ મોચન મંદિર (વારાણસી), સંગમ, હનુમાન મંદિર અને ભારદ્વાજ આશ્રમ (પ્રયાગરાજ), શ્રૃંગી ઋષિ મંદિર (શ્રૃંગવેરપુર), રામઘાટ અને સતી અનસુઇયા મંદિર (ચિત્રકૂટ), પંચવટી (નાસિક), અંજનાદ્રી ટેકરી અને હનુમાન જન્મ સ્થળ (હમ્પી) અને રામેશ્વરમમાં જ્યોતિર્લિંગ શિવ મંદિર સામેલ છે.
ભાડું કેટલું રહેશે?
જો તમે આ ટૂરમાં જવા માગતા હો તો તમારે નોન એસી કોચમાં બુકિંગ માટે વ્યક્તિ દીઠ 16,065 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ, જો તમે એસી કોચમાં બુકિંગ કરાવો તો તમારે વ્યક્તિ દીઠ 26,775 રૂપિયા ચૂકવવા પડશે.
શ્રીલંકા યાત્રા માટે પણ બુકિંગ કરાવી શકાશે
શ્રી રામાયણ એક્સપ્રેસથી પ્રવાસ દરમિયાન શ્રીલંકાની યાત્રા માટે 40 સીટ્સ રાખવામાં આવી છે. શ્રીલંકા જવા માગતા મુસાફરોને 11 એપ્રિલના રોજ ચેન્નઈથી કોલંબો લઈ જવામાં આવશે. તેમજ, ત્યાંથી બીજા ત્રણ દિવસ કેન્ડી, નુવારા એલિયા અને નેગોમ્બો ફરવાની તક મળશે. અહીં તેમને સીતા માતા મંદિર, અશોક વાટિકા, વિભીષણ મંદિર વગેરે સ્થળોએ ફેરવવામાં આવશે. ત્યારબાદ 15 એપ્રિલના રોજ કોલંબોથી દિલ્હી પરત લાવવામાં આવશે.
ભાડું: જો તમે માત્ર શ્રીલંકાનું ટૂર પેકેજ લો તો તમારે રૂ. 41700 ચૂકવવા પડશે. જો તમે બે વ્યક્તિ હોવ તો વ્યક્તિ દીઠ રૂ. 37800 અને જો તમે ત્રણ લોકોનું બુકિંગ કરાવો તો તમારે વ્યક્તિ દીઠ રૂ. 36,950 ચૂકવવા પડશે. જો તમારી સાથે તમારું બાળક છે અને તમારે તેના માટે એક અલગ બેડ લેવો હોય તો તમારે રૂપિયા 29,800 ચૂકવવા પડશે અને જો અલગ બેડ ન લેવો હોય તો તમારે 28,050 રૂપિયા ચૂકવવા પડશે. આ ચાર્જ તમારે શ્રી રામાયણ એક્સપ્રેસ ટૂર પેકેજથી અલગ ચૂકવવો પડશે. આ ટૂર પેકેજ સંબંધિત વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.