મોદીએ સોમવારે રાતે 8.56 વાગે ટ્વિટ કર્યું હતું- રવિવાર સુધી સોશિયલ મીડિયા છોડવા વિશે વિચારી રહ્યો છું
બાદમાં NoSir ટોપ ટ્રેન્ડિંગમાં આવી ગયું, લોકોએ મોદીને સોશિયલ મીડિયા ન છોડવાની અપીલ કરી હતી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 માર્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને તે મહિલાઓને સોંપી દેશે જે બીજા માટે પ્રેરણા છે. તેમણે આ અંગે મંગળવારે ટ્વિટ કરી સ્પષ્ટતા કરી છે. તેમણે લખ્યું- આ મહિલા દિવસે હું પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને એ મહિલાઓને સોંપી દઈશ, જેમની જિંદગી અને જેમનું નામ આપણા બધાને પ્રરિત કરે છે. આ મહિલાઓ લાખો લોકોને પ્રોત્સાહિત કરી શકશે. જો તમે પણ આવી મહિલા છો કે બીજા માટે પ્રેરણા બનનારી મહિલાઓ વિશે જાણો છો તો તેમની કહાની SheInspiresUs પર શેર કરો.
આ પહેલા મોદીએ સોમવારે રાતે 8.56 વાગે ચોંકાવનારું ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે વિચારી રહ્યો છું કે આ રવિવારે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુ-ટયુબમાંથી નીકળી જઈશ. આ વિશે હું તમને જણાવીશ. મોદીના ટ્વિટર પર 5.33 કરોડ, ફેસબુક પર 4.66 કરોડ, ઈન્સ્ટાગ્રામ પર 3.52 કરોડ અને યુ-ટયુબ પર 45 લાખ ફોલોઅર્સ છે.