10 જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર SRP અને CRPFનો બંદોબસ્ત
15787 કેન્દ્રો પર 5559 બિલ્ડિંગોમાં 60027 ક્લાસ રૂમમાં પરીક્ષા લેવાશે
59733 જેટલા કલાસરૂમમાં CCTV કેમેરા લગાયા, 294 કલાસરૂમમાં ટેબ્લેટની વ્યવસ્થા
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવારથી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં કુલ 17.53 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10ના 10.83 લાખ, ધોરણ 12 સાયન્સના 1.83 અને ધોરણ 12ના 5.87 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે બોર્ડની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાવાની છે. SRP અને CRPFના જવાનો ખડેપગે રહેશે.
137 ઝોનમાં પરીક્ષા યોજાશે
રાજ્યના 10 જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર SRP અને CRPFના જવાનોના બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષા 137 ઝોનમાં યોજાશે. જેમાં 15787 કેન્દ્રો પર 5559 બિલ્ડિંગોમાં 60027 ક્લાસ રૂમમાં પરીક્ષા લેવાશે. 59733 જેટલા કલાસરૂમમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. 294 કલાસરૂમ ટેબ્લેટની વ્યવસ્થા કરાઈ છે.
73 વિજિલન્સ સ્કવોડ
રાજ્ય કક્ષાએ 73 વિજિલન્સ સ્કવોડ રચાઈ છે. અતિસંવેદનશીલ કેન્દ્રો એવા કચ્છ ,જામનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ, અરવલ્લી, બોટાદ તથા છોટાઉદેપુર સહિતના જિલ્લામાં પેરામિલ્ટ્રી ફોર્સ ગોઠવવામાં આવશે. કચ્છ,મોરબી ,પાટણ ,પંચમહાલ અને મહિસાગર સહિતના પાંચથી છ જિલ્લાએ સ્થાનિક સ્કવોડ મુકાશે.