ચંદ્રયાન-3માં રોવર અને લેન્ડર મોજૂદ હશે, ISROએ ઉચ્ચસ્તરીય કમિટી બનાવી
નવી દિલ્હી: ભારત 2021ના પહેલા છ મહિનામાં ચંદ્રયાન-3 લોન્ચ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે સંસંદમાં આ જાણકારી આપી હતી. સરકારે ચંદ્રયાન-3 પ્રોજેક્ટને આ વર્ષે જાન્યુઆરીમાં મંજૂરી આપી હતી. આ પહેલા ચંદ્રયાન-2 મિશન અંદર્ગત 7 સપ્ટેમ્બર 2019ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની કોશિષ સમયે વિક્રમ લેન્ડર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારથી ભારત ચંદ્રયાન-3 મિશનની તૈયારી કરી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે સંસદના શિયાળુ સત્રમાં પણ દાવો કર્યો હતો કે છેલ્લા મિશનમાં મળેલા અનુભવ અને વર્તમાન સુવિધાઓના લીધે ચંદ્રયાન-3ના ખર્ચામાં ઘટાડો થશે. જોકે તે સમયે તેમણે એ જણાવ્યું ન હતું કે ત્રીજું ચંદ્રયાન મિશન 2021ના કયા મહિનામાં લોન્ચ કરવામાં આવશે.
ચંદ્રયાન 3 માટે ISROએ ઉચ્ચસ્તરીય કમિટીનું ગઠન કર્યું
સૂત્રો પ્રમાણે આ ચંદ્રયાન મિશન માટે એક ઉચ્ચસ્તરીય કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. તેનું નેતૃત્વ તિરુઅનંતપુરમના વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એસ.સોમનાથને સોંપવામાં આવ્યું છે. આ સેન્ટરને જ ISROના દરેક લોન્ચ વ્હિકલ પ્રોગ્રામની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ચંદ્રયાન-3થી સંબંધિત દરેક રિપોર્ટ આ કમિટી જ તૈયાર કરશે.