શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર મળી રહ્યા છે. આજે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. આજે સવારથી દ્વારકા અને કચ્છનાં અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે ઠંડા પવનો પણ શરૂ થઇ ગયા છે.
દેવભૂમિ દ્ગારકાના વાતાવરણની વાત કરીએ તો આજે સવારથી વાતાવરણ ચોમાસા જેવી દેખાઈ રહ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. દ્વારકામાં કમોસમી વરસાદને કારણે વાતાવરણ ઠંડુંગાર બની ગયું છે. જેથી કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દ્વારકામાં આવેલા વરસાદથી યાત્રિકો પરેશાન થયા છે, તો પદયાત્રીઓને પણ મોટી હાલાકી પડી રહી છે. રાજ્યમાં કમોસમી વાતાવરણના કારણે જીરુંનો પાક તૈયાર થયેલ હોઈ ઓચિંતા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સુરત શહેરમાં પણ આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે કાંઠા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. આજે સુરત શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે શહેરમાં કાળા ડિબાંગ વાદળો દેખાયા હતા.
અરવલ્લી જિલ્લામાં પણ આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. અરવલ્લીમાં ધુમ્મસના કારણે ઘઉં ઝીરું વરિયાળીના પાકને નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. આ સિવાય કચ્છના લખપતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કચ્છના નારાયણ સરોવર, વિર્માનગર સહિતના ગામમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. વહેલી સવારથી કચ્છ સહિત આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થશે તેવી આશંકા સેવવામાં આવી રહી છે.
બીજી બાજુ હવામાન વિભાગની બે દિવસીય આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવાં વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગે આજનો દિવસ અને આવતી કાલે એટલે કે 6 માર્ચે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી ભાખી છે.
ગઇકાલે ડાંગના ગિરિમથક સાપુતારાના હવામાનમાં પલટો આવ્યો હતો. જેના કારણે આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ પણ સાપુતારામાં જોવા મળી રહ્યો છે. ઠંડા પવનના કારણે વહેલી સવારથી સાપુતારા ઠંડુંગાર બન્યું. આહલાદક વાતાવરણના કારણે સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો.
રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીથી રાજ્યના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જો માવઠું વધારે પ્રમાણમાં થશે તો રવિ પાકને પારવાર નુકશાન થઈ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે