છેલ્લા ઘણાં સમયથી જોવામાં આવી રહ્યું છે કે ડાયટિંગ કરનારા કે પછી સ્થૂળકાય લોકો ભાત ખાવાનું ટાળે છે. એક એવી માન્યતા જડ માન્યતા થઇ ગઈ છે કે ભાત ખાવાથી વજન વધે.
પરંતુ હકીકત તેનાથી જુદી જ છે. આહારશાસ્ત્રીઓના મત મુજબ, ભાત ખાવાથી લાંબા સમય સુધી તમને પેટ ભરેલું હોવાનો અહસાસ થાય છે. પરિણામે તમે બીજું કાંઈ નથી ખાઈ શકતા. અથવા તમને બીજું કાઈ ખાવાની ઈચ્છા નથી થતી. આ રીતે તમે તમારા પેટમાં ઓછી કેલેરી ઠાલવો છો.
એક જાણીતા આહારશાસ્ત્રી કહે છે કે, ભારતમાં પરંપરાગત રીતે ભાત ખાતા લોકોના પરિવારોમાં જ્યારે કોઈ વ્યક્તિ ઘરથી બહાર જાય ત્યારે તેને મીઠા ભાત ખવડાવીને જ મોકલવામાં આવે છે. ચાહે તે શાળાએ જતું બાળક હોય, કોલેજમાં જતાં કિશોર- કિશોરીઓ હોય કે પછી ઓફિસ જતાં પુરૂષો હોય. આનું કારણ એ છે કે જેમને પરંપરાગત રીતે ભાત ખાવાની ટેવ હોય છે તેમને ભાત ખાવાથી જ સંતોષ થાય છે. તેઓ વધુમાં કહે છે કે, આજે ઘણાં લોકોમાં કડધાન્ય પ્રત્યે ખાસ્સી જાગૃતિ આવી ગઈ છે. તેથી તેઓ બ્રાઉન, રેડ, બ્લેક, વાઈટ રાઈસ ખાવાની તરફેણ કરે છે.
તેઓ આ પ્રકારના ચોખા માટે કહે છે કે, છડયા વિનાના ચોખા તે ખેતરમાં ઉગે ત્યારે જે પૌષ્ટિક તત્વો હોય એ બધા સત્વો જળવાઈ રહે છે. પણ જ્યારે તેના ઉપર પ્રક્રિયા કરીને તેને પોલીશ્ડ રાઈસ બનાવવામાં આવે ત્યારે તેમાં રહેલાં પ્રોટીન, ફાઈબર, વિવિધ પ્રકારના વિટામીન, ખનિજ તત્ત્વો ઈત્યાદિ મોટા પ્રમાણમાં નાશ પામે છે.
તેથી જો પોલીશ કર્યા વિનાના બ્રાઉન, રેડ, બ્લેક કે વાઈલ્ડ ભાત ખાવામાં આવે તો તે આપણા શરીરની રોજિંદી કડધાન્યની બે તૃતિયાંશ જરૂરિયાત પૂરી કરી શકે છે. જો કે આ પ્રકારના ચોખાનો સ્વાદ બહુ ઓછા લોકોને ભાવે છે. તેથી જેમને છડયા વિનાના ચોખામાંથી બનાવેલા ભાત ન ભાવે તેઓ પોલીશ કરેલા ચોખામાંથી બનાવેલા ભાત ખાય તોય તેમાંથી પણ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે.
ભાત ખાવાના અનકે ફાયદા પણ છે. ભાતમાં સોડિયમ, કોલેસ્ટરોલ કે ગ્લુટેન જેવા તત્વો નથી હોતા. તેથી ચોક્કસ વ્યાધિ ધરાવતાં લોકોને આવા તત્વોવાળા ખાદ્ય પદાર્થો ખાવાની મનાઈ હોય તો તેઓ ભાત ખાઈ શકે છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ કે ટ્રાન્સફેટ નથી હોતા. તેથી ભાત ખાવાથી કોલેસ્ટ્રોલ વધવાની ભીતિ ઘટી જાય છે. વળી તેમાં ભરપૂર એનર્જી મળી રહે એટલા પ્રમાણમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટર અને સ્ટાર્ચ હોય છે.
ભાતમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર પણ હોય છે. ભાત પચવામાં સહેલા હોવાથી તાવ, એસિડિટી કે પેટમાં ગડબડ હોય ત્યારે ભાત ખાવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ પણ જો પ્રમાણસર ભાત ખાય તો કોઈ હાનિ નથી થતી. તેમણે સંતુલિત આહાર માટે થોડાં ભાત સાથે લીલા શાકભાજી સલાડ ઈત્યાદિ લેવું જોઈએ.
જો કે આહારશાસ્ત્રીઓ એમ પણ કહે છે કે, ચોખામાં 15 જાતના વિટામીન અને ખનિજ તત્વો હોય છે. આ વિટામીન- ખનિજ તત્ત્વોમાં ફોલિક એસિડ, વિટામીન- બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, લોહતત્ત્વ, ઝિંક ઈત્યાદિનો સમાવેશ થાય છે.
તેથી જો બ્રાઉન, રેડ, બ્લેક કે વાઈટ રાઈસ ખાવામાં આવે તો જે વ્યક્તિને એકલા ભાતમાં જ આ બધા પોષક તત્વો મળી રહે છે. પણ જ્યારે તેને પોલીશ કરવામાં આવે ત્યારે તેમાંના ઘણાં સત્વો નાશ પામે છે. તેથી જો તમે સફેદ ચોખા ખાતા હો તો તેની સાથે દાળ, શાક ઈત્યાદિ લેવા જરૂરી છે.
સામાન્ય રીતે ગૃહિણીઓ ચોખાને ત્યાં સુધી ધોતી રહે છે જ્યાં સુધી ચોખા ધોયેલું પાણી એકદમ સ્વચ્છ ન દેખાય. વાસ્તવમાં ચોખા આટલી બધી વખત ધોવાથી તેમાં રહેલું વિટામીન-બી પણ ધોવાઈ જાય છે. તેથી ચોખાને ત્રણ-ચાર વખત ધોવા પણ પૂરતા છે. જો તમે ચોખા રાંધવાથી પહેલા પલાળી રાખતા હો તો તેમાં માપસર પાણી નાખો. આ ચોખા એ જ પાણીમાં રાંધો.
ભાત રંધાઈ જવા આવે અને તેમાં નામ માત્રનું પાણી બચે ત્યારે ગેસ બંધ કરીને ભાતના વાસણને ઢાંકી દો. આ રીતે કરવાથી ભાત તેની અંદર રહેલી વરાળથી આપોઆપ સીજી જશે. અને તેના પોષક તત્વો પણ જળવાઈ રહેશે. વળી ચોખામાં માપસર પાણી નાખીને રાંધવાથી તેને ઓસાવવાની જરૂર નહીં પડે.
ભાત જ્યારે ઓસાવવામાં આવે ત્યારે તેના ઓસામણ સાથે જ ચોખામાં રહેલા પોષક તત્વો ફેંકાઈ જાય છે. પરંતુ ઓસાવ્યા વિનાના ભાત ખાવામાં આવે તો થોડા ભાત ખાવાથી પણ પેટ ભરાઈ જાય છે. પરિણામે તમે આપોઆપ ઓછું ખાઓ છો. અને જ્યારે ખોરાક ઓછો લેવામાં આવે ત્યારે વજન પણ આપોઆપ અંકુશમાં રહે છે.