નાગરિકતા સુધારા કાયદા(સીએએ) વિરુદ્ધ દાખલ અરજીઓ પર જલદી સુનાવણી કરવા અંગે સુપ્રીમકોર્ટે ઈનકાર કરી દીધો છે. ગુરુવારે ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની બેન્ચે કહ્યું કે સબરીમાલા કેસની સુનાવણી ખતમ થયા પછી આ મુદ્દાને સાંભળીશું. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જલદી સુનાવણીનો આગ્રહ કરતાં કહ્યું હતું કે આ મામલે કેન્દ્ર સરકારે અત્યાર સુધી જવાબ આપ્યો નથી. સુનાવણી જલદી શરૂ કરવી જોઇએ જેથી કેસ અર્થ વગરનો ન થઇ જાય.
એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે બેન્ચને જણાવ્યું કે સુપ્રીમકોર્ટમાં દાખલ તમામ અરજીઓ પર સરકાર એક અઠવાડિયામાં જવાબ દાખલ કરશે. ચીફ જસ્ટિસે કહ્યું કે તે આ મામલે વિચારશે. સાથે જ સિબ્બલને છૂટ આપી કે તે હોળીની રજા પછી ફરીવાર જલદી સુનાવણીનો આગ્રહ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટના નવ જજોની બંધારણીય બેન્ચ જુદા જુદા ધર્મોમાં મહિલાઓના અધિકારો મુદ્દે સુનાવણી કરી રહી છે.