- છેલ્લા બે વર્ષમાં રૂપિયો આશરે 9 રૂપિયા નબળો પડ્યો
- સતત વેચવાલીથી સેન્સેક્સ 2018ના નીચલા સ્તરે પહોચી ગયો
- સ્થાનિક સ્તરે સોનું સર્વોચ્ચ સપાટીની નજીક પહોચ્યું
કોરોના વાયરસ જે જે રીતે ચીન બાદ અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો છે અને તેના કારણે ઉભા થયેલા સેન્ટિમેન્ટના કારણે વિશ્વભરના અર્થતંત્રને વિપરીત અસર થઇ રહી છે. જેને લીધે વૈશ્વિક બજારોમાં છેલ્લા બે સપ્તાહથી સતત મંદીનો માહોલ ઉભો થયો છે. સ્ટોક માર્કેટ, ક્રુડ, કરન્સી અને સોનામાં મોટા પ્રમાણમાં કડાકા બોલાઈ રહ્યા છે. આ તમામ પરિબળોની અસર ભારતીય શેર બજારોમાં પણ રહી છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના પગલે દેશના સ્ટોક માર્કેટ સતત રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે અને 12 માર્ચના રોજ 3,200 પોઈન્ટ્સની ઉથલ પાથલ બાદ સેન્સેક્સ 32,778.14ના સ્તરે આવી ગયો હતો. અગાઉ 2018માં તે 32483.84ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો. આમ, વીતેલા ત્રણ વર્ષમાં જે તેજી આવી હતી તે એક સાથે ધોવાઇ ગઈ છે.
2020ના હાઈથી સેન્સેક્સ 22.46% ઘટી ગયો
આ વર્ષે 41,349.36ના સ્તરે ખૂલેલું માર્કેટ વધીને 42,273.87ના સ્તરે પહોચી ગયું હતું. આ તબક્કે બજારમાં એવો માહોલ બન્યો હતો કે સેન્સેક્સ 45,000 થઇ જશે. જોકે બાદમાં કોરોના વાયરસની અસર ચીનની બહાર અન્ય દેશોમાં પણ આવતા માર્ચ મહિનામાં મંદીએ વેગ પકડ્યો હતો અને આજે એક જ દિવસમાં સેન્સેક્સ 2919.26 પોઈન્ટ્સ ઘટીને 32,778.14ના લેવલે આવી ગયો હતો. આ રીતે 2020ના હાઈથી સેન્સેક્સ 22.46% જેટલો ઘટી ગયો હતો.
2. હાલનું લેવલ છેલ્લે 2018માં જોવા મળ્યું હતું
સેન્સેકસનું હાલનું જે સ્તર છે તે છેલ્લે 2018માં જોવા મળ્યું હતું. અગાઉ 2018માં તે 32483.84ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો અને ત્યાર બાદ બજાર આટલું નીચું ક્યારે ય પણ નથી આવ્યું. આ જ વર્ષમાં સેન્સેક્સે 38,989.65 પોઈન્ટની ઉપલી સપાટી બનાવી હતી.
3. 2017માં 7300 પોઈન્ટની તેજી સામે 2020માં 8500ની મંદી
સેન્સેક્સનું લેવલ 2017ની શરૂઆતમાં 26711.15 પર ખુલ્યું હતું જે વધીને 34137.97 થયા બાદ 34056.83 પર બંધ આવ્યું હતું. આ રીતે 2017માં 7346 પોઈન્ટ્સની તેજી આવી હતી. તેની સામે ચાલુ વર્ષ 2020માં સેન્સેક્સ 41349.36ના સ્તરે ખુલ્યો હતો જે વધીને 42273.87ની સપાટીએ પહોચી ગયો હતો. જોકે બાદમાં સેન્ટિમેન્ટ બદલાતા માત્ર 2 મહિના અને 12 દિવસમાં જ સેન્સેક્સ વર્ષના ઓપનીંગથી 8571 પોઈન્ટ ગગડીને 32778.14ના સ્તરે આવી ગયો હતો.
4. 12 વર્ષમાં ક્રુડના ભાવ ઉંચામાં 145 ડોલર અને નીચામાં 30 ડોલર બોલાયા
વૈશ્વિક બજારો 2008ની સબ-પ્રાઈમ કટોકટી બાદ કોરોના વાઈરસથી સર્જાયેલી મહામારીની વિટક પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે. એક બાજુ કોરોના વાઈરસની ગંભીર સ્થિતિ સર્જાઈ છે ત્યારે બીજી બાજુ રશિયા-ઓપેક દેશ વચ્ચે પ્રાઈઝ વોર છેડાયું છે જેને પગલે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડની કિંમતોમાં પ્રતિ બેરલ 30 ડોલર નજીક પહોંચી ગઈ છે. વર્ષ 1991ના ખાડી યુદ્ધ બાદ ક્રુડના ભાવોમાં ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો છે. WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરતા ભાવો પ્રતિ બેરલ 31 ડોલર થઈ ગયા છે.
5. સબપ્રાઈમ કટોકટીના વર્ષ જેવી કટોકટી
વર્ષ 2008માં વૈશ્વિક અર્થતંત્રમાં આવેલી સબપ્રાઈમ કટોકટીના વર્ષ ક્રુડ ઓઈલમાં ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકાની લેહમેન બ્રધર્સ સહિતની દિગ્ગજ કંપનીઓએ નાદારી જાહેર કરતા સબપ્રાઈમની કટોકટીને લીધે વૈશ્વિક અર્થતંત્રમાં ભૂકંપ આવ્યો હતો. આ સંજોગોમાં ક્રુડના ભાવ વર્ષ 2008માં 145 ડોલરની વિક્રમી સપાટીથી ઘટીને 30.28 ડોલરની સપાટીએ પહોંચી ગયા હતા. ક્રુડ ઓઈલના ઈતિહાસમાં આટલી મોટી રેન્જમાં ક્રુડના ભાવોમાં આ સૌથી મોટી અફરા તફરી હતી.
6. વૈશ્વિક અર્થતંત્ર સામે નવો પડકાર
વર્ષ 2008માં 30 ડોલરની ન્યુનત્તમ સપાટી બનાવ્યા બાદ ત્યારપછીના ત્રણ વર્ષમાં ક્રુડના ભાવ 100 ડોલરને પાર થઈ ગયા હતા. વર્ષ 2011માં 113.39 ડોલર ઘટીને 75.40 ડોલર, વર્ષ 2012માં ઉંચામાં 109.39 ડોલર નીચમાં 77.72 ડોલર, વર્ષ 2013માં ઉંચામાં 110.62 ડોલર અને નીચામાં 86.6.65 ડોલર, વર્ષ 2014 વર્ષમાં ઉંચામાં 107.95 ડોલર અને નીચામાં 53.45 ડોલર થયા હતા.