- દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં કોરોના વાઈરસથી સાજા થયેલા બે લોકોને રવિવારે રજા આપવામાં આવી
- તેમાંથી 45 વર્ષના એક વ્યક્તિએ દેશની સ્વાસ્થય સેવાઓને દુનિયામાં સૌથી સારી વ્યવસ્થાઓમાંથી એક ગણાવી
કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ દિલ્હીમાં એક વ્યક્તિના સાજા થયા પછી તેણે તેનો અનુભવ એક અંગ્રેજી વેબસાઈટ સાથે શેર કર્યો છે. 45 વર્ષના આ વેપારીએ જણાવ્યું કે, તેને સફદરજંગ હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવ્યો હતો. અહીં બે સપ્તાહ સુધી ડોક્ટર્સની ટીમે તેનું ખૂબ સરસ ધ્યાન રાખ્યું. સાજા થયેલા વ્યક્તિએ કહ્યું કે, કોરોના વાઈરસના કારણે ડરવાની કોઈ જરૂર નથી. આ એક સામાન્ય ફ્લૂ જ છે. તેમણે એવું પણ કહ્યું કે, આપણાં દેશની સ્વાસ્થય સુવિધાઓ દુનિયામાં સૌથી સારી સ્વાસ્થય સુવિધાઓમાંથી એક છે. તેમણે કહ્યું કે, આપણાં ત્યાં આઈસોલેશન વોર્ડ બે બાય બેના રૂમ સુધી સિમિત નથી, જ્યાં સુરજનો પ્રકાશ પણ ન પહોંચી શકે.
1 માર્ચે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો
વેપારીએ જણાવ્યું કે, હું 25 ફેબ્રુઆરીએ યુરોપથી પરત આવ્યો હતો અને બીજા દિવસે મને તાવ આવી ગયો. હું ડોક્ટર પાસે ગયો તો તેમણે મને કહ્યું કે, મને ગળાનું ઈન્ફેક્શન છે અને તેમણે મને ત્રણ દિવસની દવા આપી. મને એનાથી સારુ પણ થઈ ગયું. પરંતુ 29 ફેબ્રુઆરીએ મને ફરી તાવ આવી ગયો. તેથી રામ મનોહર લોહિયા હોસ્પિટલ ગયો. એક માર્ચે મને કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો. જોકે ડોક્ટર્સે મને ત્યારે નહતું જણાવ્યું કે, મને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું છે.
આ શરદી-ખાંસી કઈક અલગ હતી
તેમણે મને બીજા દિવસે સફદરજંગ હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધો. ડોક્ટર્સે મને જણાવ્યું કે, તમે સ્વસ્થ છો અને તમને શરદી-ખાંસી છે. થોડા સમય લાગશે અને પછી સારુ થઈ જશે. હું કોઈ ડોક્ટર નથી પરંતુ મને એટલો ખ્યાલ આવ્યો કે આ શરદી-ખાંસી સામાન્ય કરતાં અલગ છે. મને સફદરજંગના એક આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેને ભારત સરકારે કોરોના વાઈરસ માટે તૈયાર કર્યો છે. અહીં સુવિધાઓ બહુ સરસ છે. કોઈ ખાનગી હોસ્પિટલ કરતાં પણ ઘણી સારી. અહીં મારો એક પ્રાઈવેટ રૂમ હતો અને બાથરુમ પણ.