સરકારના ગોડાઉનોમાં અનાજનો પુરતો પુરવઠો ગરીબોને અનાજ મેળવવામાં મુશ્કેલી નહીં થાય : પાસવાન
કોરોના સામે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે આ તકે કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તાના મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું કે રાશનની દુકાનોથી સસ્તુ અનાજ મેળવવા માટેના હકદાર 75 કરોડ લોકોને 6 મહિનાનું રાશન એકસાથે મેળવવા માટે છૂટ આપવામાં આવશે.
હાલ તેમને વધુમાં વધુ 2 મહિનાનું રાશન અગાઉથી મેળવવાની છૂટ છે. માત્ર પંજાબ સરકારે જ છ મહિનાનો જથ્થો એક સાથે ઉઠાવવાની છૂટ આપી છે. આ અંગે પાસવાને વધુમાં જણાવ્યું કે તેમના ગોડાઉનોમાં અનાજનો પુરતો જથ્થો છે. તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું છે કે, તેઓ ગરીબ લોકોને છ મહિનાની રાશનનો જથ્થો એકસાથે મેળવવાની છૂટ આપે. કોરોના વાઈરસના ફેલાવા વચ્ચે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે કોઇ પ્રતિબંધ લાગુ થવાની સ્થિતિ સર્જાય ત્યારે ગરીબ લોકોને અનાજ મેળવવામાં મુશ્કેલી ન થાય.
સરકારી દુકાનોથી અનાજની ખરીદી વધવાથી સરકારી ગોડાઉનોમાં જગ્યા થશે. જગ્યાની અછતના કારણે સરકારે ખરીદેલા ઘઉં ખુલ્લા ગોડાઉનોમાં જમા કરવામાં આવી રહ્યા છે. હાલના સમયમાં સરકારી ગોડાઉનોમાં 4.35 કરોડ ટન કરતા વધુનું અનાજ પડી રહ્યું છે. જે સુરક્ષિત બફરસ્ટોક કરતા વધુ છે, જેમાં 272.19 લાખ ટન ચોખા, 162.79 લાખ ટન ઘઉં છે. પીડીએસ માટે એપ્રિલમાં ફરમાં 135 લાખ ટન ચોખા અને 74.2 લાખ ટન ઘઉંનો ભંડાર સુરક્ષિત માનવામાં આવે છે.
સાબુ, થર્મલ સ્કેનર અને ડેટોલની કિંમતો પર સરકારની નજર છે. પાસવાને જણાવ્યું કે અમે ત્રણ વધુ વસ્તુઓ સાબુ, ડેટોલ, હાથની સફાઈ કરનારા પ્રવાહી ક્લીનર સાથે થર્મલ સ્કેનની કિંમતો પર નજર રાખી રહ્યા છીએ. કોરોના વાયરસનાં ફેલાવાના ડરથી તેની માંગ એકાએક વધી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના 114 સ્થળો પર સરકાર આવશ્યક વસ્તુ અધિનિયમ અંતર્ગત 22 વસ્તુઓની કિંમતો પર નજર રાખી રહી છે.