ડોક્ટર્સે બંને વૃદ્ધોને કઈ દવા આપી હતી તે ગુપ્ત રાખ્યું
- અગાઉ એક 91 વર્ષીય વૃદ્ધ પણ હાઈ બીપી અને અસ્થમાના દર્દી હોવા છતા કોરોના મુક્ત થયેલા
જીવલેણ કોરોના વાયરસ વૃદ્ધ લોકો માટે વધુ જોખમી છે તેવા સમાચારો વચ્ચે ઈરાનના એક ૧૦૩ વર્ષીય મહિલાએ કોરોનાને હંફાવીને નવજીવન મેળવ્યું છે અને તેઓ બિલકુલ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
ઈરાનની રાજધાની તેહરાનથી ૧૮૦ કિમી દૂર આવેલી સેમનાન હોસ્પિટલમાં ભરતી થયેલા ૧૦૩ વર્ષના વરિષ્ઠ નાગરિકે કોરોના વાયરસ વૃદ્ધ લોકો માટે વધુ ઘાતક છે તે માન્યતાને ખોટી ઠેરવી છે અને તેઓ કોરોના મુક્ત થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં હોસ્પિટલના સત્તાધીશોએ તે મહિલાનું નામ બહાર નથી પાડયું પરંતુ હોસ્પિટલના ડિરેક્ટર નાવિદ દાનાઈએ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયાની પૃષ્ટિ કરી હતી.
અગાઉ દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તાર કેરમાન ખાતે પણ એક ૯૧ વર્ષીય વૃદ્ધ સારવાર બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા. જાણવા મળ્યા મુજબ તે વૃદ્ધ કોરોનાના કેસમાં વધુ ઘાતક ગણાતા હાઈ બ્લડ પ્રેશર અને અસ્થમાના દર્દી હોવા છતા કોરોના મુક્ત થયા હતા. જો કે, ઈરાની ડોક્ટર્સે હજુ સુધી બંને વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં કઈ દવા આપવામાં આવી હતી તે જાહેર નથી કરેલું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીની અધિકારીઓ સાથે મળીને તૈયાર કરેલા અહેવાલ પ્રમાણે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકો પૈકીના ૨૧.૯ ટકા લોકો ૮૦થી વધારે વર્ષની ઉંમર ધરાવતા હતા.