ગુજરાતમાં કોરોના વાયરસનાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને પાંચ કેસો પોઝિટિવ આવ્યા બાદ આ વૈશ્વિક મહામારીને પ્રસરતી અટકાવવા માટે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. તો પાંચ કેસો પોઝિટિવ આવ્યા બાદ હવે આગામી સમયમાં ગુજરાતીઓને ખાસ સતર્કતા રાખવાની જરૂર છે. તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને તકેદારીનાં તમામ પગલાં લેવા માટે અપીલ કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારી સામે સતર્ક થઈને લડીશું. ગુજરાતની સરકાર અને જનતા કોરોના સામે લડવા માટે કટિબદ્ધ છે. ગુજરાતમાં પાંચ કેઝો પોઝિટિવ નોંધાયા છે. આ પોઝિટિવ કેસો ગુજરાતીઓનાં છે પણ તેઓ વિદેશથી પરત આવ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ વિદેશથી પરત આવેલાં લોકોને અલગ રૂમમાં કે ઘરમાં ક્વોરેન્ટાઈન રહેવા માટે અપીલ કરી છે. સાથે જ ગુજરાતની જાહેર જનતા માટે વિજય રૂપાણીએ કહ્યું કે, નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી હતી. વડીલો અને બાળકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ સીએમ રૂપાણીએ અપીલ કરી છે. અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની ગાઈડલાઈનને અનુસરવા માટે પણ જણાવ્યું છે.
ગુજરાતમાં રાજકોટ, સુરત બાદ અમદાવાદમાં બે અને વડોદરામાં એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસનાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતના ચારેય મહાનગરોમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરા અને રાજકોટમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તો અમદાવાદ-રાજકોટ સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ચાની લારીઓ અને પાનનાં ગલ્લા બંધ કરી દેવા માટે પણ આદેશ કરાયો છે. ત્યારે ગુજરાતની સામાન્ય જનતાને ફરી એકવાર ખાસ અપીલ કે આ વૈશ્વિક મહામારીના સમયમાં ઘરની બહાર ન નીકળવું અને હાથ વારંવાર ખાસ ધોવા.