કપડાની જેમ ચહેરાની ચોકકસ માપસાઈઝ સાથેનાં માસ્ક બનાવવાનો ટ્રેંડ: બાળકોના માસ્કમાં જુદા-જુદા કાર્ટુન! ફેમીલી કપલ અને મેરેજ માટે ઓર્ડર મુજબનાં પેઈન્ટીંગ
હાલ કોરોના વાયરસ દેશમાં હાહાકાર મચાવ્યો છે. સાવચેતીનાં પગલે હાથને સેનીટાઈઝ કરવા અને માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. પરંતુ હાલ લોકો માસ્કમાં પણ વેરાવટી શોધે છે.એક પ્રકારનાં માસ્ક પહેરીને કંટાળી ગયા છે લોકોના મનમાંથી કોરોનાભય કાઢવા અને એક ફેશન ટ્રેંડ બનાવવા રાજકોટના યુવાને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
રાજકોટમાં છેલ્લા 23 વર્ષથી પંચશીલ ટેલરનો બીઝનેસ કરતાં નિલેશભાઈ ચાવડાનો લોકડાઉનમાં વેપાર ઠપ્પ થઈ ગયો હતો ત્યારે આ સમયે તેઓએ નવો બીઝનેસ શરૂ કર્યો. જેથી તેમનાં સ્ટાફને રોજગારી પણ મળે અને લોકોને અવનવી ડીઝાઈનવાળા માસ્ક પણ મળી શકે.
છેલ્લા બે મહિનાથી નિલેશભાઈ કાર્ટુન, સ્પોર્ટસ, કપાત માસ્ક, બેબી માસ્ક, મ્યુઝીક થીમ માસ્ક જેવા વિવિધ થીમનાં માસ્ક બનાવી વેંચે છે. કાર્ટુનમાં છોટાભીમ, બેટમેન, સ્પાઈડરમેન, મીકીમાઉસ, બાર્બીડોલ, પ્રિન્સેસવાળા માસ્કનાં કપાતમાં મી એન્ડ મીસ બોયઝ એન્ડ ગર્લ્સ, મેરેજ માટેના માસ્ક જેમાં કપાતનાં ફોટા તેમજ વેડીંગ ડેટ સાથે વેડીંગને લગતા સીમ્બોલવાળા માસ્ક બનાવવામાં આવે છે.
વિવિધ ડીઝાઈનનાં હજારો માસ્ક નિલેશભાઈ પાસે ઉપલબ્ધ છે. માસ્કની ખાસીયત એ છે કે કોટનનાં માસ્ક હોય છે. વોશેબલ હોય છે. માત્ર નાના નહિં જ મોટેરા પણ પોતાની મનપસંદ ડીઝાઈનનાં માસ્ક પહેરી શકશે.હાલ નીલેશભાઈ ઓર્ડર પ્રમાણે માસ્ક બનાવી વેચે છે. રૂા.30 થી લઈ રૂા.400 સુધીનાં માસ્ક નિલેશભાઈ પાસે ઉપલબ્ધ છે.
આ ઉપરાંત ફેમીલી માસ્ક મેરેજ સ્પેશ્યલ માસ્ક પોતાના ફોટોગ્રાફસવાળા માસ્ક હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બાળકો પોતાનાં મનપસંદ હીરોના પણ માસ્ક બનાવડાવે છે. અત્યાર સુધીમાં 5000 થી વધુ માસ્ક વેંચાય ચુકયા છે. નિલેશભાઈએ શરૂઆતમાં રાજકોટ પોલીસને પોલીસ સીમ્બોલવાળા માસ્ક નિ:શુલ્ક આપ્યા હતા. ત્યારબાદ અનેક વેપારીઓ દ્વારા ઓર્ડર મળ્યા હતા. હાલ તેઓ હોસ્પીટલના ઓર્ડર પર કામ કરી રહ્યા છે. તેઓ પોતાની 10 લોકોની ટીમ સાથે કામ કરી રહ્યા છે
એક પ્રકારે નિલેશભાઈએ રોજગારી પણ આપી અને લોકોને વિવિધ ડીઝાઈનનાં માસ્ક પણ મળ્યા.
સૌથી વધુ બાળકોના ઓર્ડર મળી ચુકયા છે. બજારમાં નાના બાળકોનાં માસ્ક મળવા ખુબ મુશ્કેલ છે. આથી નિલેશભાઈ ઓર્ડર મુજબ ખાસ નાના બાળકો માટે માસ્ક બનાવે છે. નિલેશભાઈને તેમના આ કામમાં તેમનો પરિવાર સહયોગી બને છે તેમની પત્ની અને પુત્રી માસ્કમાં ખાસ પેઈન્ટીંગ કરે છે.