ઓણ 1થી5 સપ્ટેમ્બર જન્માષ્ટમી તહેવાર હોય કોરોના સ્થિતિ વચ્ચે મેળો યોજવો અશકય; 20 લાખ સહેલાણીઓ એકઠા થતા હોવાથી જોખમ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સહેલાણીઓમાં લોકપ્રિય એવો રાજકોટનો લોકમેળો આ વખતે કોરોનાની ગંભીર સ્થિતિના કારણે યોજવા સામે સવાલ ઉઠયા છે. લોકમેળામાં પાંચ દિવસ દરમ્યાન 20 લાખથી વધુ વ્યક્તિઓ આવતી હોય કોરોના સંક્રમણ વકરે તેવી ભીતી હોય રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન ખુદ લોકમેળો યોજવા મુદે મુંઝવણમાં મુકાયા છે. આ મામલે રાજય સરકારનું માર્ગદર્શન માંગવામાં આવશે તેવું જીલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું.
રાજકોટ સહિત રાજયભરમાં લોકપ્રિય એવો રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાતા લોકમેળો આ વખતે 1થી5 સપ્ટેમ્બર દરમ્યાન જન્માષ્ટમી તહેવારે યોજાશે કે કેમ તે મુદે ભારે અવઢવ પ્રવર્તી રહી છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાતા લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસ દરમ્યાન 20 લાખથી વધુ સહેલાણીઓ મુલાકાત લે છે.
લોકમેળામાં સ્ટોલની હરરાજી તેમજ યાંત્રીક આઈટેમોમાં પ્લોટના વેચાણમાં જીલ્લા વહીવટીતંત્રને કરોડો રૂપિયાની આવક થાય છે. આ આવકમાંથી વિવિધ પ્રકારના લોકઉપયોગી કામો કરવામાં આવી રહ્યા છે. જીલ્લા કલેકટર તંત્ર દ્વારા લોકમેળો યોજવામાં આવે છે જેની તૈયારી બે માસ અગાઉ શરુ કરી દેવામાં આવે છે. પરંતુ હવે લોકમેળા આડે 85 જેટલા દિવસો જ બાકી રહ્યા હોય આ વખતે રેસકોર્ષ મેદાનમાં લોકમેળો યોજવામાં આવે નહી તેવી શકયતા પ્રબળ બની છે.
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાતા લોકમેળો આ વખતે કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિના કારણે યોજવામાં ન આવે તે માટેના કેટલાક મજબૂત કારણો એવા છે કે હાલમાં રાજય સરકાર ચારથી વધુ વ્યક્તિઓ એકઠી ન થાય તે માટે જાહેરનામા બહાર પાડી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ, સેનેટાઈઝર ફરજીયાત કરવામાં આવ્યું છે. મોટા પ્રમાણમાં ભીડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લોકમેળામાં પાંચ દિવસ દરમ્યાન 20 લાખ વ્યક્તિઓ મુલાકાત લેતા હોય કોરોના સંક્રમણ વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે.
આ સંદર્ભે આ વખતે 1થી5 સપ્ટેમ્બર જન્માષ્ટમી તહેવાર અવસરે રેસકોર્ષ મેદાનમાં લોકમેળો યોજવા પર રાજય સરકાર પણ મુંઝવણમાં મુકાઈ છે. રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને રાજકોટમાં લોકમેળો યોજવા માટે માર્ગદર્શન માંગવાની તજવીજ હાથ ધરી છે.
દરમ્યાન રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાનારા લોકમેળાને જો આ વખતે શહેરની બહાર નવા રેસકોર્ષ ખાતે લઈ જવામાં આવે તો પણ આ સ્થળે મોટી ભીડ એકત્રીત થાય તેમ છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ રાજય સરકાર વિવિધ પ્રકારના કાયદાઓનું સખ્તાઈપુર્વક અમલીકરણ કરાવી રહ્યું છે. રાજયભરના નાના-મોટા ધાર્મિક, સામાજીક અને રાજકીય મેળાવડા પણ પ્રતિબંધ છે તેવા સંજોગોમાં સપ્ટેમ્બર માસના પ્રારંભે રાજકોટનો લોકમેળો યોજવો કે કેમ તે મુદે ભારે અવઢવ છે. આ મુદે સરકારની સૂચના આવ્યા બાદ નિર્ણય કરવામાં આવશે તેવું અંતમાં જણાવાયું છે.