ગુજરાત સરકારને કોવિડ-૧૯ની અસાધારણ પરિસ્થિતિમાં સર્જાયેલી ભારે આર્થિક તંગીને પગલે ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં અગાઉના વર્ષ કરતાં લગભગ બમણી રકમની યાને રૂ. ૪૦થી ૪૫ હજાર કરોડની વધારે લોન લેવાની નોબત આવશે, જેમાં લગભગ રૂ. ૨૫ હજાર કરોડની લોન રાજ્યના આવકસ્ત્રોત ટૂંકા પડતાં લેવી પડશે, જ્યારે જીએસટી વળતર જો આ વર્ષે કેન્દ્ર સરકાર નહીં ચૂકવે તો આશરે રૂ. ૨૦ હજાર કરોડની લોન લેવી પડશે, મોટે ભાગે આ વર્ષે જીએસટી કોમ્પેન્સેશન નહીં ચૂકવાય તેવી ગણતરી થઈ રહી છે.
સરકારના વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટ અંદાજમાં રૂ. ૪૨,૯૨૯ કરોડનું કરજ લેવાશે એવું દર્શાવાયું હતું, પરંતુ સુધારેલા અંદાજમાં સરકારે રૂ. ૪૪ હજાર કરોડનું દેવું કર્યું હોવાનું જણાવાયું હતું, એટલે આની બમણી રકમની લોન આ વર્ષે રિઝર્વ બેન્કમાં ભરણું કરીને નાણાકીય સંસ્થાઓ પાસેથી લેવામાં આવશે.
ગુજરાત ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટ, ૨૦૦૫ પ્રમાણે ગુજરાત સરકાર તેના જીએસડીપીના ૩ ટકા સુધી કરજ યાને લોન લઈ શકતી હતી, પરંતુ કોવિડ-૧૯ની સ્થિતિમાં જીએસડીપીના ૫ ટકા સુધી લિમિટ વધારી દેવાઈ છે, સૂત્રો કહે છે કે, જે રૂ. ૪૪ હજાર કરોડની લોન ૨૦૧૯-૨૦માં લેવાઈ હતી, તો જીએસડીપીના ૧.૭૫ ટકા હતી, તેથી આ વર્ષે આવકના સ્ત્રોતો ટૂંકા થતાં રાજ્ય સરકાર જીએસડીપીના ૩.૫ થી ૫ ટકા સુધી લોન લે તેવી ગણતરી છે.
સૂત્રો એવું પણ કહે છે કે, દર વર્ષે ૧૦-૧૨ ટકા નોમિનલ રેટથી સરકારની આવકમાં વૃદ્ધિ થાય છે, પરંતુ આ વર્ષે વૃદ્ધિ વધુમાં વધુ ૩થી ૫ ટકા રહેવાની ગણતરી છે, એટલે કે ૨૦૧૯-૨૦માં રહેલા રૂ. ૧૬.૬૩ લાખ કરોડમાં ૩થી ૫ ટકા વૃદ્ધિ થશે અને એ પ્રમાણમાં ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ મુજબ સરકાર કરજ મેળવી શકશે.
અહીં એ પણ નોંધવું રહ્યું કે, ગુજરાત સરકારે રિઝર્વ બેન્ક પાસેથી વેઝ એન્ડ મીન્સ પેટે ટૂંકા ગાળાની લોન છેલ્લે ૨૦૦૪માં લીધી હતી. ગુજરાત સરકારના પ્રાથમિક અંદાજ પ્રમાણે એપ્રિલ-મેના બે મહિનામાં પેટ્રોલ-ડીઝલ-ગેસ ઉપરનાં વેટની, મોટર વ્હિકલ ટેક્સની, સ્ટેમ્પ ડયૂટીની તેમજ ઇલેક્ટ્રિસિટી ડયૂટીની એમ કુલ ૪ મુખ્ય વેરાની આવકમાં રૂ. ૭થી ૮ હજાર કરોડનો માર પડયો છે.
આ સૂત્રો એવું પણ કબૂલે છે કે, રાજ્યના પોતાના કરવેરાની આવક ૨૦૧૯-૨૦માં સુધારેલા અંદાજ મુજબ રૂ. ૯૭,૨૭૧ કરોડ રહી હતી, જેમાં આ વર્ષના અંતે કુલ રૂ. ૧૫થી ૧૭ હજાર કરોડનું ગાબડું પડે તેવી શક્યતા જણાઈ રહી છે.