સમગ્ર દેશમાં કોરોનાને કારણે આર્થિક સંકટ ઊભું થયેલું છે એ દરમિયાન છેલ્લાં નવ દિવસથી સતત વધી રહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ સામે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે એક પત્ર લખ્યો હતો. તેમણે પત્ર દ્વારા જણાવ્યું કે, આવા સંકટના સમયમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં સતત વધારો કરવામાં આવે તે અયોગ્ય છે. સરકારે તાકીદે ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ. સોનિયા ગાંધીએ ચિઠ્ઠીમાં જણાવ્યું કે, સરકારે લોકડાઉન વચ્ચે એક્સાઈઝ વધારીને ૨.૬ લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે. જ્યારે લોકો પાસે નોકરીઓ નથી, સતત નોકરીઓ જઈ રહી છે, આર્થિક મુશ્કેલીઓ છે તેમાં લોકો ઉપર આવા બોજ નાખવા અયોગ્ય છે. સરકારની ફરજ છે કે, લોકોની મુશ્કેલી દૂર કરવી. સરકારે તાકીદે ભાવ વધારો પાછો ખેંચીને લોકોને રાહત આપવી જોઈએ.
છ વર્ષમાં ૧૮ લાખ કરોડની કમાણી કરી લીધી
સોનિયા ગાંધીએ જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલમાં છ વર્ષમાં અધધ વધારો કરવામાં આવ્યો છે. સરકારે છેલ્લાં છ વર્ષમાં પેટ્રોલ ઉપર ૨૫૮ ટકા જ્યારે ડીઝલ ઉપર ૮૨૦ ટકા એક્સાઈઝ વધારીને પેટ્રોલમાં ૨૩.૭૮ અને ડીઝલમાં ૨૮.૩૭ રૂપિયાનો વધારો ઝીંકી દીધો હતો. આ કારણે સરકારને અંદાજે ૧૮ લાખ કરોડની વધારાની આવક થઈ હતી. ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતો ગત અઠવાડિયાની સરખામણીએ અત્યારે ૯ ટકા ઓછી છે પણ સરકાર લોકોને રાહત આપવા માગતી નથી. લોકોને સ્વાસ્થ્ય બાબતો, આર્થિક બાબતો અને સામાજિક બાબતોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંજોગોમાં ભાવ વધારા અયોગ્ય છે. નાના-મોટા ઉદ્યોગો ડામાડોળ હોય, લાખો નોકરીઓ છીનવાઈ ગઈ હોય, મધ્યમવર્ગ અને ખેડૂતો પરેશાન હોય ત્યાં ભાવ વધારો કેટલો યોગ્ય ગણાય?