કોરોનાની સ્થિતિમાં જો યાત્રાને મંજુરી આપીએ તો ભગવાન પણ માફ કરશે નહી: લાખો લોકો એક જ સાથે એકત્ર થાય તો સંક્રમણનો ખતરો
દેશમાં ચાલુ વર્ષે કોરોનાની સ્થિતિમાં જગન્નાથપુરીની વિખ્યાત રથયાત્રા યોજાશે નહી. સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાની જે સ્થિતિ છે તેના સંદર્ભમાં લાખો લોકોને સામેલ કરતી તા.23 જૂનની આ રથયાત્રા યોજવા પર રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડેના અધ્યક્ષપદ હેઠળની ખંડપીઠે આ અંગે એક અરજી પર સુનાવણી કરતા સમયે કહ્યું કે, વિશાળ હિત અને લોકોની સુરક્ષા ને ધ્યાનમાં લઈને આ વર્ષની રથયાત્રાને મંજુરી અપાશે નહી.
ચીફ જસ્ટીસે કહ્યું કે જો અમો આ યાત્રાને મંજુરી આપીએ તો ભગવાન જગન્નાથ પણ અમોને માફ કરશે નહી. કોરોના મહામારી સમયે આ પ્રકારના મોટા આયોજનને મંજુરી આપી શકાય જ નહી. લોકોના સ્વાસ્થ્યને જોતા આ જરૂરી છે. જગન્નાથપુરીની રથયાત્રા બે દિવસ ચાલે છે અને તેમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે તથા હૈયે હૈયું દળાય તેવી મેદની એકત્ર થાય છે જેની સામે એક એનજીઓએ અપીલ કરી ને કોરોના સંક્રમણનો ખતરો જોતા રથયાત્રાના કારણે જબરુ સંક્રમણ ફેલાઈ શકે છે.
અગાઉ પણ ઓડીસા સરકારે તા.30 જૂન સુધી કોઈપણ ધાર્મિક આયોજનો પર પ્રતિબંધ મુકયો છે અને જગન્નાથ મંદિરના સંચાલકોએ કોઈ શ્રદ્ધાળુઓને સાથે જોડયા વગર મર્યાદીત લોકો સાથે રથયાત્રા યોજાવાની જાહેરાત કરી હતી. વાસ્તવમાં આ યાત્રા નવ દિવસ ચાલે છે.