કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. તેમાં પણ છેલ્લા 24 કલાકમાં કચ્છ પર મેઘો ઓળઘોળ થયો હતો. માંડવીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેર વરસાદની શક્યતા નહિવત્ત છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલે રાજ્યના બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે સાઉથ ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થયું છે જેના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે બીજા દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ઠેકાણે હળવો વરસાદ વરસશે.
છેલ્લા 24 કલાકમાં માંડવીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે કચ્છના અન્ય તાલુકામાં મુંદ્રામાં 53 મિમિ, અબડાસામાં 30 મિમિ અને ગાંધીધામમાં 5 મિમિ વરસાદ પડ્યો હતો. રાજ્યના 17 જિલ્લાના કુલ 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં જુનાગઢના કેશોદમાં 40 મિમિ, અમરેલીના લાઠીમાં 27 મિમિ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં 112 મિમિથી 1 મિમિ સુધી વરસાદ થયો છે.