દ્વારકા, પોરબંદર, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, કચ્છ જિલ્લામાં જોર વધુ રહેવાની આગાહી : ગોંડલમાં અઢી, લાલપુર, ઝાલાવાડમાં અડધો ઇંચ: વરસ્યા બાદ સવારથી જ ધુપછાંવનો માહોલ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલતા ચોમાસાના નવા દૌરમાં ગોંડલમાં અઢી ઇંચ, લાલપુર-કાલાવાડમાં અડધો ઇંચ સહિત અન્ય કેટલાક સ્થળે છુટાછવાયા ઝાપટા વરસી ગયા બાદ સવારથી ધુંપછાવનો માહોલ બની રહ્યો છે તો ચાલુ સપ્તાહમાં છુટાછવાયા વરસાદનો માહોલ ચાલુ રહેવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.
સપ્તાહના આરંભે મેઘરાજાએ અડધા સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસમાં 13 ઇંચ સુધી વરસાદ વરસી ગયા બાદ ફરી છુટાછવાયો હળવા મઘ્યમનો દૌર શરૂ થયો છે. જેમાં ગઇકાલે બપોરબાદ ગોંડલમાં અઢી ઇંચ, કાલાવાડ-લાલપુરમાં અડધો ઇંચ જયારે અન્ય 18 તાલુકામાં છુટા છવાયા ઝાપટા સ્વરૂપે 1 થી 9 મીમી સુધી વરસાદ નોંધાયો હતો.
દરમિયાન હવામાન વિભાગ દ્વારા ચાલુ સપ્તાહમાં અમુક સ્થળે ભારે તો અન્યત્ર છુટોછવાયો હળવો મઘ્યમ વરસાદ વરસી જવાનો સંકેત અપાયો છે.
રાજકોટ
રાજકોટમાં ગઇકાલે સવારથી હવામાન સ્વચ્છ રહ્યા બાદ બપોરથી સાંજ સુધી એકાદ-બે જોરદાર ઝાપટા વરસી ગયા હતા. તો આજે પણ વહેલી સવારથી જ ધુપછાંવનો માહોલ બની રહ્યો હોવાથી દિવસે ઝાપટા વરસી જવાની સંભાવના વચ્ચે સવારથી જ શહેરીજનો બફારાથી ત્રાહીમામ જોવા મળે છે.
ગોંડલ શહેરમાં અષાઢી બીજના પાવન દિવસે સવારથી જ ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. સાંજના સુમારે વાતાવરણ પલટાતા કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ દે ધનાધન બે કલાકમાં અઢી ઇંચ પાણી વરસાવી દેતા નાના મોટા નદીનાળા છલકાયા હતા. ગોંડલી નદીમાં પાણી આવતા ગાંડી વેલ તણાઇ હતી. ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી જવા પામી હતી. ગોંડલ શહેર પંથકમાં ખેડૂતો દ્વારા 10-12 દિવસ પહેલા જ મગફળી કપાસ તેમજ મરચાનું વાવેતર કરાયું હોય આજે સચરાચર વરસાદ વરસાદ ખેડૂતો હરખાયા હતા.