કેન્દ્રની ગાઈડલાઈનની રાહ: ગુજરાત સરકાર કાલે નિર્ણય લેશે: મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની માંગ: રેસ્ટોરા બીઝનેસ 20% જ ચાલે છે: દિવાળી સુધીમાં મોટી ઘરાકીની આશા જ નથી
ગુજરાતમાં હવે તા.1થી અનલોક-ટુનો અમલ થશે અને આજે અથવા આવતીકાલે કેન્દ્રની ગાઈડલાઈન બહાર પડનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગત તા.16-17ના રોજ વધુ એક વખત રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી અનલોક-ટુ અંગે વિચારણા કરી છે પણ જયાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી અનલોક-ટુ વધુ છૂટછાટ વાળુ હશે અને હવે રાજયમાં કોરોના સ્થિતિમાં જે સુરત જેવા નવા હોટસ્પોટ છે ત્યાં ચિંતા વધી છે.
ગુજરાત ટ્રેડર્સ એસો. દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ વ્યાપાર-બીઝનેસ માટે સમય મર્યાદા વધારવાની રજુઆત કરી છે. અનલોક-વનમાં સરકારે રીટેલ સહિતના બીઝનેસને સાંજે 7 વાગ્યા સુધી અને રાત્રીના 9થી સવારના પાંચ વાગ્યા સુધીનો કર્ફયુ લાદી દીધો હતો પણ સાંજના 7 વાગ્યા સુધીનો જ વ્યાપાર-ધંધાનો સમય છે. ધંધા વ્યાપારને ફરી બેઠા થવા માટે જે સાનુકુળતા જરૂરી છે. તેમાં વિધ્ન હોવાનું મનાય છે અને તેથી વ્યાપાર ધંધા પપુરી રીતે દોડતા થયા નથી.
સાંજે 7 વાગ્યે રેસ્ટોરાથી લઈને કિરાના દુકાન પછી કોઈપણ રીટેલ સ્ટોર્સ બંધ કરવા માટે 30 મીનીટ અગાઉથી ગ્રાહકને પરત કરવા પડે છે અને રાત્રીના 9 પુર્વે તેઓને ઘરે પહોંચવા માટે પણ ઉતાવળ કરવી પડે છે. મોટાભાગના રેસ્ટોરા-સાંજના કોઈ વ્યાપાર કરતા નથી. બજાર પણ વહેલી બંધ થવાના કારણે ગ્રાહકો પણ બપોર બાદ બજારમાં જતા નથી.
રેસ્ટોરા કે હોટેલમાં સાંજનો અને રાત્રીનો જ બિઝનેસ મુખ્ય હોય છે અને તેથી તેઓ માટે તો આવક 20-25% માંડ થઈ રહી છે જયારે પુરો સ્ટાફ વિ. ખર્ચ યથાવત છે અને તેમના માટે લોકડાઉન પીરીયડ કરતા પણ ખરાબ સમય છે અને હાલ આ વ્યવસાય 50% થી ઓછી કેપેસીટીમાં ચાલે છે જેના કારણે રોજગાર પર પણ અસર પડી જ છે.
વ્યાપાર ઉદ્યોગ સંગઠનને કર્ફયુ પુરી રીતે ઉઠાવી લેવા અને અગાઉની જેમ શોપ એકટ મુજબ જ ધંધા વ્યાપારને જે છૂટછાટ છે તે અમલી બનાવાય તો જ આગામી છ-આઠ માસમાં વ્યાપાર ધંધા પુન: બેઠા થઈ શકશે તેવી રજુઆત કરી છે