ગોયરો અને જયાપાર્વતીના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે બજારની કાજુકતરી ખાવી તેના કરતાં ઘરે જ અસલ બહાર જેવી ઘરે જ બનાવેલી ખાઇએ તો. તો આવો અમે તમને કાજુકતરી બનાવાની સરળ રેસિપી અંગે જણાવીએ. જે તમને સસ્તી પણ પડશે.
કાજુકતરી માટે જરૂરી સામગ્રી
1 બાઉલ કાજુ
1/2 બાઉલ ખાંડ
1/4 બાઉલ પાણી
25 ગ્રામ મિલ્ક પાવડર
રીત
સૌપ્રથમ કાજુને બરાબર સાફ કરી બે-ત્રણ કલાક ફ્રિજમાં મૂકી દો. ત્યારબાદ કાજુને મિક્સરમાં અટકી-અટકીને દળવાં. મિક્સર સતત ચાલુ રાખશો તો કાજુનો ફેટ અલગ પડી જશે અને કાજુકતરી સારી નહીં બને. ત્યારબાદ તેને ચાળી લો. ટુકડા રહી ગયા હોય તેને ફરી ક્રશ કરી ચાળી લો.
ત્યારબાદ એક કઢાઇમાં ખાંડ લો અને ખાંડ પલળી જાય એટલું પાણી એડ કરો અને ગેસની ફ્લેમ ચાલુ કરો. ખાંડને બરાબર ઓગાળી એકતારની ચાસણી બનાવવી. ચાસણી બની જાય એટલે અંદર કાજુનો પાવડર એડ કરો. સાથે-સાથે અંદર નાખો 25 ગ્રામ મિલ્ક પાવડર. જેનાથી કાજુકતરી એકદમ માર્કેટ જેવી બનશે. ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી લો. આ દરમિયાન ગેસની ફ્લેમ બંધ કરી દેવી. બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ચાલુ કરી એક-દોઢ મિનિટ ચઢવવું અને હલાવતા રહેવું. મોટા-મોટા બબલ્સ થવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને બરાબર મિક્સ કરી કઢાઇમાં ફેલાવી દેવી જેથી ઠંડી પડી જાય.
ત્યારબાદ કાજુકતરીની ચમક સારી આવે એ માટે અંદર એક ટેબલસ્પૂન દેશી ઘી નાંખી બરાબર મિક્સ કરો અને મિશ્રણ ઠંડુ પડે ત્યારે સુધી હલાવો. પાંચ મિનિટ બાદ એક મોટી પ્લાસ્ટિક શીટ લો. કાજુકતરીનું મિશ્રણ થોડું ઠંડું થઈ જાય એટલે પ્લાસ્ટિક શીટ પર થોડું ઘી લગાવી શીટ બરાબર ગ્રીસ કરી લો અને શીટ પર કાજુકતરીનું મિશ્રણ મૂકો અને ઉપર બીજી શીટથી ઢાંકીને મસળો. જેથી કાજુકતરી સોફ્ટ અને શાઇની બનશે. ઉપરાંત આ રીતે બરાબર મસળવાથી કાજુકતરી ડ્રાય પણ નહીં પડે. જેટલી વધુ મસળશો એટલી જ સારી શાઇન આવશે.
મસળી લીધા બાદ ઉપર બીજી એક પ્લાસ્ટિક શીટ મૂકી હળવા હાથે વણી લો. ત્યારબાદ ઉપરની પ્લાસ્ટીક શીટ દૂર કરી હાથથી થોડું પાણી લગાવી ઉપર ચાંદીનો વરખ લગાવવો, જેથી વરખ બરાબર ચોંટી જાય. ત્યારબાદ એક-બે કલાક માટે રહેવા દો જેથી સેટ થઈ જાય. પછી ધારદાર ચપ્પાથી એકસરખા માપના ટુકડા કરી લો. તો બહાર જેવી કાજુકતરી બનાવાનો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.