કેન્દ્ર સરકારના આદેશને પગલે રાજ્ય સરકારનો માત્ર બે કલાકમાં યુટર્ન: આવતીકાલથી જીટીયુની પરીક્ષા લેવાનું રાજ્ય સરકારે બપોરે જ જાહેર કર્યુ હતું : કલાકોમાં નિર્ણય ફેરવવો પડયો
રાજ્યમાં જીટીયુ સહિત તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા સ્થગિત કરવાનો હુકમ થયો છે. રાજ્ય સરકારે આવતીકાલથી જીટીયુની પરીક્ષા લેવાનું જાહેર કર્યુ હતું પરંતુ કેન્દ્ર સરકારની સૂચનાને પગલે નિર્ણય ફેરવવો પડયો છે અને પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બપોરે 4 વાગ્યે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના શિક્ષણ સચિવે ગુજરાત સહિત તમામ રાજ્યોને પરીક્ષા નહીં લેવાની સૂચના આપી છે જેના પગલે રાજ્ય સરકારે આવતીકાલથી શરૂ થનારી જીટીયુની તથા ત્યારબાદ ગુજરાત સહિતની યુનિવર્સિટીઓની પરીક્ષા સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. હવે આવતીકાલથી ગુજરાતમાં પરીક્ષાઓ શરૂ નહી થાય.
આ પૂર્વેના અહેવાલ પ્રમાણે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જ કેબીનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા એમ જણાવ્યું હતું કે કાલથી જીટીયુની પરીક્ષા લેવામાં આવશે. સરદાર પટેલ યુનિવર્સિટી તથા ટીચર્સ યુનિવર્સિટીએ લીધેલી પરીક્ષા પ્રક્રિયા સફળ રહેતા હવે યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષાઓ લેવાનું નકકી કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પાસેથી મંગાયેલા પ્રતિભાવોને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમને સ્પષ્ટ કર્યુ હતું. પરંતુ હવે નવા નિર્ણય મુજબ પરીક્ષા લેવામાં નહીં આવે.