લોકડાઉન પછી પહેલી વાર 6 જુલાઈએ તાજમહેલ, રેડફોર્ટ સહિતના દેશના ખ્યાતનામ પ્રવાસન સ્થળો અને સ્મારકો જાહેર જનતા માટે ખૂલી જશે. વડાપ્રધાન મોદીની લોકડાઉનની જાહેરાત પહેલા 17 માર્ચના રોજ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 3,400 સ્મારકો બંધ કરી દેવાયા હતા.
અનલોક-1ની જાહેરાત બાદ એએસઆઈ હેઠળના બીજા 820 સ્મારકોને ફરી વાર ખોલી દેવામાં આવ્યાં હતા. સરકારે કહ્યું કે બાકીના સ્મારકોને પણ ટૂંક સમયમાં ખોલી નાખવામાં આવશે જોકે પ્રવાસીઓ અને તેની મુલાકાતે આવેલા લોકોએ સોશિયલ ડિસ્ટસિંગનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.
પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત છે. કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદસિંહ પટેલે સ્મારકો ખોલવાની જાહેરાત ટ્વિટર પર છે. મધ્યપ્રદેશના ખ્યાતનામ સાંચી, દિલ્હીનો પુરાણો કિલ્લો, વર્લ્ડ હેરિટેજ સાઇટ ખજૂરાહોને પણ જાહેર જનતા માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરવામાં આવશે. આ તમામ સ્મારકો 6 જુલાઈએ ખૂલી જશે.
આંધ્રના વિશ્વવિખ્યાત તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરને ગત મહિને ખોલી દેવામાં આવ્યું છે. 30 જૂને સરકારે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં અનલોકની જાહેરાત કરી હતી. જોકે હજુ 31 જુલાઈ સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાની પણ જાહેરાત કરાઈ છે.