બુદ્ધના ઉપદેશો દ્વારા તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી શકે છે
નવી દિલ્હી : અષાઢ પૂર્ણિમા (ગુરુ પૂર્ણિમા) નિમિત્તે શનિવારે ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, “દુનિયા આજે અસાધારણ પડકારોથી ઝઝૂમી રહી છે, બુદ્ધના ઉપદેશો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શકે છે." આ દિવસે, મહાત્મા બુદ્ધે તેમના પ્રથમ પાંચ શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો હતો.
તેમણે કહ્યું, ‘હું આજે અષાઢ પૂર્ણિમા નિમિત્તે દરેકને મારી શુભેચ્છાઓ પાઠવવા માંગું છું. તેને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આપણા ગુરુઓને યાદ કરવાનો દિવસ છે કે જેમણે આપણને જ્ઞાન આપ્યું. તે ભાવના સાથે આપણે ભગવાન બુદ્ધને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
ભગવાન બુદ્ધનો માર્ગ ઘણા સમાજો અને વિશ્વના દેશોને કલ્યાણ તરફનો માર્ગ બતાવે છે. તે કરુણા અને દયાનું મહત્વ સમજાવે છે. ભગવાન બુદ્ધના ઉપદેશો વિચાર અને ક્રિયા બંનેમાં ઉપયોગી છે. આ પહેલા રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પણ ધમ્મ ચક્ર દિવસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.