આવતા વર્ષ પહેલાં રસી ઉપલબ્ધ થાય તેવી શક્યતા નહીં ભારત બાયોટેક દ્વારા 1પમી ઓગસ્ટે જ કોરોનાની રસી બહાર પાડવામાં આવનાર હોવાનાં દાવાનું આજે વિજ્ઞાન મંત્રાલયે ખંડન કરી નાખ્યું છે અને કહ્યું હતું કે, વર્ષ 2021 પહેલાં રસી ઉપલબ્ધ થવાની કોઈ જ શક્યતા નથી.
સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલયે આજે કહ્યું હતું કે, દુનિયામાં તૈયાર થતી 140 રસીમાંથી 11 માનવ પરીક્ષણનાં તબક્કામાં પહોંચી ગઈ છે પણ આમાંથી કોઈ રસી આગામી વર્ષે જ ઉપયોગ માટે તૈયાર થઈ જાય તેવી કોઈ સંભાવના નથી. 'માનવ પરીક્ષણનાં ચરણમાં પહોંચી ગયેલી 11 રસીમાંથી બે ભારતીય છે. પ્રથમ રસી આઈસીએમઆરનાં સહયોગથી ભારત બાયોટેકે' તૈયાર કરેલી છે અને બીજી ઝાયડસ કેડિલાએ વિકસાવેલી છે. તેને માનવ પરીક્ષણની અનુમતિ મળી ગઈ છે.'મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે અત્યારે છ ભારતીય કંપનીઓ રસી ઉપર કામ કરી રહી છે. બે ભારતીય રસી કોવાક્સીન અને ઝાયકોવ-ડી સહિત દુનિયાની 11 રસી માનવ પરીક્ષણનાં ચરણમાં છે. જેમાંથી કોઈપણ રસી 2021 પહેલાં ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ જાય તેવી કોઈ જ સંભાવના નથી.
ઉલ્લેખનીય છે કે 2 જુલાઈએ આઈસીએમઆર દ્વારા પરીક્ષણ માટે પસંદિત 12 ક્લિનિકલ સાઈટનાં પ્રમુખોને પત્ર લખીને આ ટ્રાયલ 1પ ઓગસ્ટ સુધીમાં પૂરા કરવાનું લક્ષ્ય આપ્યું હતું. જેને પગલે વિવાદ ઉભો થઈ ગયો હતો. આઈસીએમઆરનાં આ પત્ર ઉપર આરોગ્ય તજજ્ઞો અને સંશોધકોએ ગંભીર ચિંતા દર્શાવી હતી. તેમનું કહેવું છે કે રસીની ઉતાવળમાં તેની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થઈ જાય તેની તકેદારી આવશ્યક છે. આઈસીએમઆર દ્વારા આ વિશે સ્પષ્ટતા આપતાં કહેવામાં આવ્યું હતું કે લાલ ફીતાશાહીથી આ પ્રક્રિયાને બચાવવા માટે જ આવું લક્ષ્ય પત્રમાં ટાંકવામાં આવ્યું હતું.
'
3 માસમાં આવી જશે કોરોનાની દવા ! આયુષ મંત્રી નાયકનો આશાવાદ: પરીક્ષણો અંતિમ ચરણમાં
ભારતનાં સ્વતંત્રતા દિવસે સ્વદેશમાં વિકસિત કોરોનાની રસી જારી થવાનાં દાવા વચ્ચે હવે આજે કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાયકે કહ્યું છે કે, કોરોનાની દવા ઉપર સંશોધનો ચાલી રહ્યા છે અને 6થી 7 સપ્તાહમાં તે શોધ પૂરી પણ થઈ જશે. આપણે ટૂંક સમયમાં જ કોરોનાને હરાવવામાં સફળ થઈ જઈશું તેવો આત્મવિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો. નાયકનાં કહેવા અનુસાર 4-પ ફોર્મ્યુલા ઉપર શોધ ચાલે છે. તેનાં પરીક્ષણો પણ થઈ રહ્યા છે. જ્યારે આ ફોર્મ્યુલા તેમનાં સમક્ષ આવ્યા ત્યારે મંત્રાલયે તેની બારીક ચકાસણી કરી હતી. હવે આશા છે કે ત્રણેક માસમાં કોરોનાની દવા પણ આવી જશે. આ દવાનું કામ હવે અંતિમ ચરણમાં હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.