- ધ યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામનો રિપોર્ટ
- મોટો રોગચાળો સદીમાં એકાદ વખત જ આવે એ માન્યતા ખોટી : રોગચાળા પેદા કરવામાં ચીન નંબર વન
સંયુક્ત રાષ્ટ્રસંઘના રજૂ થયેલા રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જંગલો કાપવાની અને પ્રાણીઓને મારવાની પ્રવૃત્તિ ચાલુ રહેશે તો પછી કોરોનાવાઈરસ જેવા અનેક રોગચાળા આવશે.પૃથ્વીવાસીઓએ એ માટે તૈયાર રહેવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રસંઘના એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (યુએનઈપી) દ્વારા ભવિષ્યના ઝૂનોટિક રોગચાળાઓ અંગે આ અહેવાલ તૈયાર કરાયો હતો. વિવિધ પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવી ચડે એવા રોગચાળાને ઝૂનોટિક કહેવામાં આવે છે.
'પ્રિવેન્ટિંગ ધ નેક્સ્ટ પેન્ડેમિક : ઝૂનોટિક ડિસિઝ એન્ડ હાઉ ટુ બ્રેક ધ ચેઈન ઓફ ટ્રાન્સમિશન' નામના રિપોર્ટમાં કહેવાયું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાણીમાંથી મનુષ્યમાં આવતા રોગ વધ્યા છે.
ઈબોલા, સાર્સ, મેર્સ, એચઆઈવી, રિફ્ટ વેલી ફિવર, લાસા ફિવર, લીમે ડિસિઝ વગેરે રોગો એવા છે, જે પ્રાણીઓમાં હજારો વર્ષોથી હતા. પરંતુ મનુષ્યો તેના સંપર્કમાં આવ્યા પછી જ એ મનુષ્યોમાં દાખલ થયા હતા. પહેલા એવુ મનાતુ હતું કે મોટો રોગચાળો સદીમાં એકાદ વખત જ આવે છે, એ માન્યતા હવે ખોટી પડે છે. યુએનઈપીના ડિરેક્ટર ઈન્ગેર એન્ડરસને કહ્યું હતુ કે કોરોનાવાઈરસ પછી આપણી આંખો ખુલવી જોઈએ. સતત કપાતા જંગલોને કારણે મનુષ્યો અને જાનવરોનો સંપર્ક વધ્યો છે. એ રીતે મનુષ્ય વિવિધ પ્રાણીને ખોરાક બનાવે છે.
આ બે કારણોસર વર્ષોથી પ્રાણીઓમાં શુષુપ્ત રહેલા વાઈરસ-બેક્ટેરિયાને મનુષ્યના શરીરમાં પ્રવેશવાનો અને પ્રવેશ્યા પછી સક્રિય થઈ ફેલાવાનો મોકો મળી જાય છે. છેલ્લા 50 વર્ષમાં પૃથ્વી પર માંસનું ઉત્પાદન 260 ટકા વધ્યું છે. રોગચાળા પેદા કરવામાં અને ફેલાવામાં પણ ચીન આગળ છે. રિપોર્ટ પ્રમાણે 1996માં એવિઅન ઈન્ફ્લુએન્ઝા, 1996માં બર્ડ ફ્લુ, 1998માં નીપાહ, 2003માં સાર્સ વગેરે રોગ-વાઈરસ ચીનમાંથી જ અને ખાસ તો ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાંથી જ ફેલાયા છે. માનવ શરીરને અસરકર્તા કુલ 1400 પ્રકારના જંતુમાંથી 60 ટકાથી વધુ પ્રાણીઓમાંથી આવે છે