હવામાન વિભાગે બુધવારે કચ્છ તથા દેવભૂમિ દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાયું હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જે હજુ પણ ચાલુ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી આગામી 3 દિવસ સૌથી મોટી ઘાત રહેલી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડવાની આગાહી કરાઈ છે કારણ કે સૌરાષ્ટ્ર આસપાસ હવાનું હળવું દબાણ સર્જાયું છે. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે વસતા લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન બન્યા છે. અનેક વિસ્તારોમાં સિઝનનો અડધો કે તેનાથી વધારે વરસાદ એક સાથે ખાબકી ગયો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદ બાદ નવવી જુલાઇથી ક્રમશ: વરસાદનું જોર ઘટશે. બીજી તરફ વરસાદને પગલે જૂનાગઢના ગીરનાર પર ઝરણા જીવંત થયા છે.
અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યાર સુધી સરેરાશ 27 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 25 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 49%, કચ્છમાં 51%, મધ્ય ગુજરાતમાં 16%, દક્ષિણ ગુજરાતમાં 17 % જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ 14 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં નીચાણવાળા વિસ્તારોમાંથી 1 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. જામનગરમાં એનડીઆરએફની ટીમે રાહત અને બચાવ કામગીરી કરી હતી. સૌરાષ્ટ્રમાં NDRFની 6 તો દક્ષિણ ગુજરાતમાં 3 ટીમ તહેનાત છે.
બીજી બાજુ રાજ્યમાં ક્રમશ: પડેલા વરસાદની વાત કરીએ તો, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર ચાલુ રહી છે. રાજકોટ જિલ્લામાં મોટી પાનેલીમાં 13, ઉપલેટા 5, દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે 4 ઈંચ વરસાદ પડતા 24 કલાકમાં 16 ઈંચ, જામનગર જિલ્લાના જામજોધપુરમાં 7 અને લાલપુરમાં 4 ઈચ, દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 12 ઈચ,(બે દિવસમાં 17 ઈંચ્) , ભાણવડમાં 10, કલ્યાણપરમાં 9 અને જામરાવલમાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ પડયો હતો.
દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં આજે વધુ 12 ઈંચ કુલ 420 મીમી, કલ્યાણપુર 224 મીમી, ભાણવડ 223 મીમી, દ્વારકા 104 મીમી વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લામાં કાલાવડ 102 મીમી, જામજોધપુર 215 મીમી, જોડીયા 82 મીમી ધ્રોલ 50 મીમી,લાલપુર 230 મીમી ,જામનગર 189 મીમી ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર 6, ગીગઢડા 11, તાલાલા 8, વેરાવળ 6 અને સુત્રાપાડામાં 8 મીમી વરસાદ પડયો હતો. ડોળાસામાં 1 ઈચ વરસાદ પડયો હતો.
જૂનાગઢ જિલ્લામાં કેશોદ 35 મીમી, જૂનાગઢ 54, ભેંસાણ 31, મેંદરડા 45, માંગેરાળ 39, માણાવદર 126 મીમી, માળીયા 49 પીમી, વંથલી 83, વિસાવદરમાં 26 મીમી વરસાદ પડયો હતો. મનગર નજીકના દરેડ ગામે નદીના ધુનામાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં આજે ગાંડીતુર થયેલી રંગમતી નદીના પાણી ઘુસ્યા હતાં. જેને કારણે મંદિરે જવાનો રસ્તો બંધ થયો હતો. આ મંદિરના પ્રાંગણમાંથી જ જામનગર શહેરના રણમલ તળાવમાં રંગમતીનું પાણી લાવતી નહેરનો આરંભ થાય છે. તેથી આ નહેર મારફત શહેરના રણમલ તળાવમાં પણ પાણીની જબ્બર આવક થવા પામી હતી.