કેન્દ્રીય કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં આત્મનિર્ભર પેકેજને બહાલી આપવામાં આવી હતી. પીએમ મોદીનાં વડપણ હેઠળની બેઠકમાં સરકારે અગાઉ લીધેલા ૪ મહત્ત્વના નિર્ણયોને બહાલી આપવામાં આવી હતી. જેમાં ગરીબ લોકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૮ લાખ મેટ્રિક ટન અનાજ આપવામાં આવશે. આ સ્કીમ હેઠળ ગરીબોને મફત અનાજ અપાશે. સ્કીમને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ગરીબોને ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી સિલિન્ડર્સ પણ અપાશે. ખાસ કરીને માઈગ્રન્ટ મજૂરોને પીએમ આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા ફ્લેટ્સ ભાડેથી આપવામાં આવશે જેનું ભાડું સ્થાનિક મ્યુનિસિપાલિટી દ્વારા નક્કી કરાશે. રૂ. ૧૫,૦૦૦નો માસિક પગાર મેળવતા લોકોનો પીએફ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જેમાં માલિકનો હિસ્સો પણ સરકાર ચૂકવશે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રૂ. ૧ લાખ કરોડ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ ફંડને બહાલી અપાઈ છે તેમ કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ બ્રીફમાં જણાવ્યું હતું. ત્રણ સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓને રૂ. ૧૨૪૫૦ કરોડની નવી મૂડી સહાય કરવાની દરખાસ્તને બહાલી અપાઈ છે.
નવેમ્બર સુધી ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ
કેબિનેટમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી લંબાવવા મંજૂરી અપાઈ છે. કોરોના સંકટમાં સરકારે ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ આપ્યું હતું . જેનો અમલ લંબાવાયો છે.
કર્મચારીઓને EPF સહાય
આ સ્કીમ હેઠળ સરકાર દ્વારા પીએફમાં કર્મચારીઓ ૧૨ ટકા અને માલિકોને ૧૨ ટકા એમ ૨૪ ટકા હિસ્સો ચૂકવવામાં આવશે. જે કંપનીમાં ૧૦૦ કર્મચારીઓ છે અને ૯૦ ટકા કર્મચારીનો પગાર રૂ. ૧૫,૦૦૦થી ઓછો છે તેમને આ લાભ અપાશે. સરકાર દ્વારા EPFમાં માર્ચથી ઓગસ્ટ સુધીનું કર્મચારી અને માલિકોનું કોન્ટ્રીબ્યૂશન સરકાર આપશે.
ઉજ્જવલા યોજનાનો વિસ્તાર
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડરના લાભ આગામી ૧ વર્ષ સુધી અપાશે. આ માટે ઓઈલ કંપનીઓ EMI માફી સ્કીમ એક વર્ષ સુધી લંબાવશે.