કોરોના લોકડાઉન સમયે જરુરિયાતમંદ લોકોની મદદ કરનાર કાશીના એનજીઓ સહિતના અગ્રણીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીના લોકોની કોરોના સામેની લડતની પ્રશંસા કરતાં કહ્યું કે મારા વિસ્તારના લોકોએ કોરોનાનો મજબૂત મુકાબલો કર્યો છે અને સમગ્ર વારાણસી એક ઉત્સાહભરી નગરી સાબિત થઇ છે.
મોદીએ કહ્યું કે કોરોનાને કારણે લોકો બાબા વિશ્વનાથ ધામ જઇ રહ્યા નથી અને માનસ મંદિર, દુર્ગા કુંડ, સંકટમોચનમાં પણ શ્રાવણનો મેળો લાગતો નથી પરંતુ વારાણસીએ કોરોના સામેની લડાઈને મહત્વ આપીને હાલ આ તમામ ધાર્મિક કામગીરીને મુલત્વી રાખી છે તેનો મને આનંદ છે અને બહુ ટૂંક સમયમાં જ કાશી ફરી મંદિરોના ઘંટના અવાજથી ધણીધણી ઉઠશે.
વડાપ્રધાને કહ્યું કે, ભગવાન શંકરના આશીર્વાદથી આપણે કાશીમાં સંકટને બહુ અસરકારક રીતે ડામી શક્યા છીએ. મોદીએ કાશીના લોકોને વધુ એક વખત સ્વચ્છતા અપનાવવા તથા સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ દૂર કરવાની અપીલ કરી હતી. મોદીએ કાશ્મીરના અનેક એનજીઓની પ્રશંસા કરી હતી.
મોદીએ કહ્યું કે, વારાણસીમાં બહુ ટૂંકા સમયમાં ફૂડ હેલ્પલાઈન કમ્યુનિટી કિચન વગેરે તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ ગરીબોને ભોજન મળી રહે તે પણ જોવામાં આવ્યું છે તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. ગરીબોની સેવા એ ભગવાનની પૂજા છે. કાશીમાં તો બાબા વિશ્વનાથ અને મા અન્નપૂર્ણા બંને બિરાજમાન છે અને એક સમયે મહાદેવે ખુદ મા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માગી હતી અને ત્યારથી કાશી પર આશીર્વાદ છે કે કોઇ ભૂખ્યું સુતુ નથી અને તે આ નગરે સાબિત કરી બતાવ્યું છે