નોંધણી અધિનિયમ, ૧૯૦૮માં ગુજરાત સરકારે ૨૦૧૮માં પસાર કરાવેલા ગુજરાત રજિસ્ટ્રેશન (સુધારા) વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે, જેના કારણે કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી જે અત્યાર સુધી મરજિયાત હતી, તે હવે ફરજિયાત બની ગઈ છે.
રાજ્યના મહેસૂલમંત્રી કૌશિક પટેલ આ સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્યમાં અત્યારે કબજા સાથેના પાવર ઓફ એટર્ની હોય તો તેની નોંધણી ફરજિયાત છે જ, પરંતુ કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી મરજિયાત હતી, જેને કારણે પક્ષકારોની મિલકત હડપ કરી લેવાના, છેતરપિંડી કરી દસ્તાવેજ નોંધણી કરી લેવાના ઘણા બનાવો બનતા હતા.
આવા નોંધણી કરાવ્યા વગરના મુખત્યારનામાનો ઉપયોગ કરી ખોટી રીતે છેતરપિંડીથી ભૂમાફિયાઓ દ્વારા થતી પ્રવૃત્તિને અટકાવવા માટે રાજ્ય સરકારે કાયદામાં સુધારો કરી કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી પણ ફરજિયાત બનાવી છે. સુધારા વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં હવેથી સ્થાવર મિલકતના તમામ પ્રકારના કબજા સાથેના કે કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત બને છે.
મહેસૂલમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દસ્તાવેજની હાલની નોંધણી પદ્ધતિ મુજબ દસ્તાવેજ નોંધણી માટે રૂબરૂ જવાનું હોય છે, પરંતુ આ સુધારા અધિનિયમથી કોઈ પણ વ્યક્તિ દસ્તાવેજની ઓનલાઇન નોંધણી કરાવી શકશે. જો કોઈ વ્યક્તિ ઘેર બેઠાં ઓનલાઇન નોંધણી કરાવવી હોય તો આઇ-ગરવી પોર્ટલ ઉપર નોંધણી અને ઇ-પેમેન્ટ થઈ શકશે.
જો કે નોંધણી કરાવ્યા બાદ વેરિફિકેશન માટે પક્ષકારોએ એક વખત સબરજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જઈ તેમની સહી, અંગુઠાનું નિશાન અને કબૂલાત/ ઓળખાણ આપવાની રહેશે. આ સુધારા વિધેયકની પુરાવા લેવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા હરાજીથી અથવા એલોટમેન્ટથી અથવા વેચાણથી આપવામાં આવતા વેચાણપત્રોની નોંધણી પણ ફરજિયાત બની છે