ધોરણ.૧૦ની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ રાજ્યભરમાંથી અંદાજે ૫૨ હજાર જેટલી ઉત્તરવહીઓના રિ-ચેકિંગ માટે અરજીઓ આવી હતી. જેમાં ૪૦૦ જેટલી ઉત્તરવહીઓમાં માર્કસમાં સુધારો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. રિ-ચેકિંગ વખતે અનેક શિક્ષકોનો મૂલ્યાંકન કામગીરીમાં કરેલા છબરડા બોર્ડને ધ્યાનમાં આવ્યાં છે.
જેમાં ધોરણ.૧૦ના એક વિદ્યાર્થીના ગણિત વિષયમાં ૧૬ માર્કસના તમામ ૮ વિકલ્પો સાચા હોવા છતાં શિક્ષકે માત્ર ૨ માર્કસ આપ્યા હોવાથી આ વિદ્યાર્થી નાપાસ જાહેર થયો હતો. જોકે રિ-ચેકિંગ થતાં આ વિદ્યાર્થીના માર્કસ સુધરતા હવે તેને પાસ જાહેર કરવામાં આવશે તેવું બોર્ડના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ધોરણ.૧૦નું રિ-ચેકિંગનું પરિણામ આ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ નાપાસ વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓને મૂલ્યાંકન કામગીરી પર શંકા હોય તેવા વિદ્યાર્થીઓ રિ-ચેકિંગ માટે અરજી કરતાં હોય છે. ધોરણ.૧૦માં આ વખતે ૫૨ હજાર જેટલી ઉત્તરવહીઓનું રિ-ચેકિંગ કરવાની અરજીઓ આવી હતી.
મહત્ત્વનું છે કે, આ વખતે માત્ર ૪૦૦ જેટલી ઉત્તરવહીઓમાં ગુણ સુધર્યાં છે. એટલે કે, દર વર્ષ કરતાં આ વખતે શિક્ષકોએ મૂલ્યાંકન કામગીરીમાં છબરડા ઓછા કર્યાં છે. જે અંગે બોર્ડના સૂત્રો જણાવે છે કે, દર વખતે એક શિક્ષકને ૫૦ ઉત્તરવહીઓ તપાસવા માટે આપવામાં આવતી હતી.
આ વખતે આ સંખ્યા ઘટાડીને માત્ર ૩૬ કરી દેવામાં આવી હતી. બાદમાં કોરોના મહામારીના કારણે અપાયેલ લોકડાઉનની અસરથી એક શિક્ષક પાસે માત્ર ૩૦ ઉત્તરવહીઓ તપાસવા આપી હતી. જેના કારણે આ વખતે મૂલ્યાંકન કામગીરીમાં છબરડા ઓછા થયા છે.