ગુજરાતમાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પરીણામે ગુજરાત સરકાર શાળાનું શૈક્ષણીક સત્ર શરૂ કરવા મામલે અસમંજસમાં મૂકાઈ છે. અગાઉ ગુજરાત સરકાર ક્નટેન્ટમેન્ટ ઝોનની બહાર આવેલા શહેરો અને ગામડામાં ઓગસ્ટ મહિનાથી શૈક્ષણીક સત્ર શરૂ કરનાર હતી. જોકે હવે સરકાર દિવાળી પછી શૈક્ષણીક સત્ર શરૂ કરે તેવી શકયતા જણાઈ રહી છે.
હાલની પરિસ્થિતિમાં કોરોનાની મહામારી મોટા શહેરોથી શરૂ કરીને નાના શહેરો અને ગામોમાં પણ ફેલાઈ રહી છે.જોકે રાજય સરકારનાં ઉચ્ચ અધિકારીઓએ ઓકટોબર મહિનાના અંત સુધી શાળા ન ખોલવાનુ સરકારને સુચન કર્યુ છે.
શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ ‘રાજય સરકાર દિવાળી પછી જ શાળાઓ ખોલવાની વિચારણા કરી રહી છે. દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલની કનેકટીવીટી સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.’
રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાં જણાવ્યા મુજબ "ગામડાઓ અને અર્ધ શહેરી વિસ્તારમાં ઓગસ્ટ મહિનાથી શાળાઓ શરૂ કરવાની વિચારણા હતી. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લેતાં આ શકય નથી” રાજયમાં કોરોનાની મહામારી વકરી રહી છે અને પોઝીટીવ કેસનો આંકડો 43 હજારને પાર પહોંચ્યો છે પરીણામે રાજય સરકાર દિવાળીના વેકેશન પછી જ શાળાઓ ખોલવાની વિચારણા કરી રહી છે. તેવુ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
શિક્ષણ વિભાગ હાલમાં ઓનલાઈન શિક્ષણ અને ડિસ્ટન્સ એજયુકેશન પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રીત કરી વિદ્યાર્થીઓને શિક્ષણ પુરૂ પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. એક અધિકારીનાં જણાવ્યા મુજબ અગાઉ સરકાર ગામડાઓમાં અને અર્ધ શહેરી વિસ્તાર કે જયાંની વસતી મર્યાદિત હોય ત્યાં ઓગસ્ટ મહિનાથી શાળા શરૂ કરવાનું આયોજન કરી રહી હતી. પરંતુ હવે તમામ જીલ્લાઓમાંથી પોઝીટીવ કેસ આવી રહ્યા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
હાલના સમયમાં શાળાઓ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થાય તેવી શકયતાઓ રહેલી છે તેથી અમે સરકારને દિવાળી પછી શાળાઓ શરૂ કરવાનું સૂચન કર્યુ છે. જે વિસ્તારોમાં મોબાઈલ કનેકટીવીટી નબળી હોય અને મોબાઈલ જેવા સાધનો ઉપલબ્ધ ન હોય ત્યાં સરકાર ડિસ્ટન્સ લર્નીંગનાં સાધનો ગોઠવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
ઓલ ગુજરાત પેરેન્ટસ એસોસીએશનના પ્રેસીડેન્ટ નરેશ શાહે પણ શાળા દિવાળી પછી શરૂ થાય તે વિચારણાને સમર્થન આપ્યુ હતું. રાજયમાં 1.25 કરોડ વિદ્યાર્થીઓ આવેલા છે. તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ જરૂરી છે તેમજ સરકારે આ વર્ષે અપવાદરૂપે લઈને ધોરણ 10 અને 12 સિવાયના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવી જોઈએ.
અમદાવાદ પ્રોગ્રેસીવ સ્કુલ મેનેજમેન્ટ એસોસીએશનનાં પ્રેસીડેન્ટ અર્ચિત ભટ્ટે જણાવ્યું હતું કે સ્કુલો કયારે શરૂ થશે તે કહેવુ મુશ્કેલ છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. એક શાળાના ટ્રસ્ટી મનન ચોકસીનાં જણાવ્યા મુજબ જયાં સુધી કોરોનાના સંક્રમણમાં અંકુશમાં જ આવે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવુ જોઈએ. 1 કોરોના પોઝીટીવ બાળક અન્ય 40 વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર જોખમ ઉભુ કરી શકે છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવાનું કોઈ જ આયોજન નથી.