મોડર્ના વેકસીનનાં પ્રથમ ટેસ્ટમાં કરાયા 45 લોકોને સામેલ
કોરોના વાયરસ સામેની લડતમાં એક મોટી સફલતા પ્રાપ્ત થઈ છે. અમેરિકાની કંપની મોર્ડનાની રસીનું પહેલુ ટ્રાયલ સફળ રહ્યું છે. રસી (વેકસીન) એ દરેક વ્યકિતમાં એન્ટીબોડી વિકસીત કર્યુ જે કોરોના વાયરસ સામે જંગ લડી રહેલી દુનિયા માટે એક સારા સમાચાર છે. ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં પ્રકાશીત અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે 45 સ્વસ્થ લોકો પર કરવામાં આવેલા વેકસીનનાં પ્રથમ ટેસ્ટનું પરીણામ ઘણુ સારૂ આવ્યું છે.
મોડર્ના વેકસીનમાં કોઈ સાઈડ ઈફેકટ નથી કે જેથી કરીને તેના ટ્રાયલને અટકાવવુ પડે શરૂઆતનાં ટેસ્ટીંગમાં જો એન્ટી બોડી બને છે તો તેને મોટી સફળતા માનવામાં આવે છે.પરંતુ તેનો મતલબ એ નથી કે આ વેકસીન કોરોના વાયરસનાં ખાત્મા માટે અસરકારક સાબિત થાય. પ્રથમ ટેસ્ટમાં 45 એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેમની ઉંમર 16 થી 55 વચ્ચે હતી અને જેઓ સ્વસ્થ હતા.
આ ટેસ્ટ દરમ્યાન વૃદ્ધો પર પણ વેકસીનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેનું પરીણામ હજુ બાકી છે. દિગ્ગજ દવા નિર્માતા કંપની મોડર્ના હવે કોરોના વાયરસ વેકસીનનાં લેટ સ્ટેજ ટ્રાયલની તૈયારી કરી રહી છે. કંપનીનાં જણાવ્યા મુજબ 27 જુલાઈ આસપાસ આ ટ્રાયલ શરૂ કરવામાં આવી શકે છે. મોડર્નાએ જણાવ્યું કે તે અમેરીકાનાં 87 સ્ટડી લોકેશન પર તેના ટ્રાયલનું આયોજન કરશે. ત્રીજા તબકકાનાં ટ્રાયલ પછી કંપની મોટી જાહેરાત કરે તેવી શકયતા છે.
હાવર્ડનાં પૂર્વ શોધકર્તા વિલીયમ હસેલ્ટાઈને જણાવ્યું કે વેકસીને જે સ્તરનું એન્ટી બોડી વિકસીત કર્યુ છે તે ‘સન્માનજનક’ છે. તે કોરોના વિરૂદ્ધ સુરક્ષા કવચ બને તેવી સંભાવના છે. ટ્રાયલ દરમ્યાન વેકસીનમાં 3 ડોઝ લીધા બાદ લોકોને હળવો થાક શરીરમાં દુખાવો તથા માથાનો દુખાવો થયો હતો. જયારે 40 ટકા લોકોને હળવા તાવની અસર થઈ હતી.
આ વેકસીનની ટ્રાયલ રાજધાની વોશીંગ્ટન ડીસી સિવાય દેશના 30 અન્ય રાજયોમાં કરવામાં આવશે.વેકસીનના ટ્રાયલ માટે પસંદ કરવામાં આવેલા અડધા કરતા વધારે લોકેશન કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત ટેકસાસ, કેલીફોર્નીયા, ફલોરીડા, જયોર્જીયા, એરીઝોના અને ઉતર તથા દ.કૈરોલીનામાં સ્થિત છે. અમેરીકન સરકારે મોડર્નાને વેકસીન બનાવવા માટે અડધા મીલીયન ડોલરની સહાયતા પણ કરી છે