દેશ કોરોના વેક્સિનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, તેની માનવીઓ પર પહેલી અજમાયશ પટના એઇમ્સમાં શરૂ થઈ છે. આજે, દેશમાં પ્રથમ વખત, આ વેક્સિનની માત્રા કોઈ વ્યક્તિને આપવામાં આવી છે. આ ડોઝ પટના એઇમ્સમાં આપવામાં આવ્યો હતો. વેક્સિનની ગુપ્તતાને લગતા નિયમોને કારણે તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પટના એઇમ્સમાં નિષ્ણાતની ટીમે 30 વર્ષીય વ્યક્તિ પર રસી અજમાવી હતી અને તેને અડધો એમએલ ડોઝ આપવામાં આવ્યો છે.
આ વેક્સિન આપ્યા પછી, તેને લગભગ 4 કલાક નિરીક્ષણમાં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ઘરે મોકલવામાં આવ્યો. આ વ્યક્તિને 7 દિવસ પછી ફરીથી બોલાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 14 દિવસ પછી, તેને બીજો ડોઝ આપવામાં આવશે. દેશમાં અત્યાર સુધી કોઈ પણ સંસ્થા દ્વારા આવી ટ્રાયલ નથી કરવામાં આવી.
પટના એઈમ્સના ડિરેક્ટર પ્રભાતકુમાર સિંહે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 18 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી 8 લોકોને ડોઝ આપ્યા છે. હજી વધુ લોકો આવવાના બાકી છે, જેને આ ડોઝ આપવામાં આવશે. દેશમાં પ્રથમ માનવ અજમાયશ બાદ, પટના એઈમ્સની ઉત્સાહિત ટીમે આજે વધુ 6 લોકો પર રસીનું પરીક્ષણ કર્યું છે.
સોમવાર અને મંગળવારે આ અજમાયશ માટે કુલ 18 લોકોનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાંથી બુધવારે 1 વ્યક્તિ પર ટ્રાયલ થયું હતું અને ગુરુવારે 6 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. એવું જાણવા મળ્યું છે કે પટના એઇમ્સમાં 50 લોકો પર કોરોના વેક્સિન ટ્રાયલ કરવામાં આવશે. જો આ અજમાયશ સફળ રહી, તો પટના એઈમ્સ વિશ્વભરમાં કોરોના સામે યુદ્ધ લડવામાં અગ્રણી હોસ્પિટલ તરીકે યાદ કરવામાં આવશે.