વધુ સારા ભવિષ્યના નિર્માણ માટેની થીમ પર USIBC દ્વારા ઈન્ડિયા આઈડિયાઝ સમિટનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક આંતરરાષ્ટ્રીય મંચને સંબોધિત કરવાના છે. ભારતીય સમયાનુસાર આજે રાત્રે 8:30 કલાકે પીએમ મોદી 'ઈન્ડિયા આઈડિયાઝ સમિટ' (India Ideas Summit)ને સંબોધિત કરશે અને સમગ્ર વિશ્વના લોકોની નજર આ શિખર સંમેલન પર ટકેલી હશે. આ સંમેલનનું આયોજન અમેરિકા-ભારત કારોબાર પરિષદ (USIBC) દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેની થીમ વધુ સારા ભવિષ્યના નિર્માણની છે. આ સંમેલનમાં બંને દેશો વચ્ચે વ્યાપાર અને સહયોગ અંગે ચર્ચા કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ-19 બાદની દુનિયામાં પ્રમુખ ભાગીદાર અને આગેવાન તરીકે અમેરિકા અને ભારતને લઈને સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓને સંબોધિત કરશે. અમેરિકા અને ભારતની મુખ્ય ભાગીદારી ધરાવતું આ બે દિવસનું શિખર સંમેલન છે જેને ડિજિટલ માધ્યમથી આયોજિત કરવામાં આવી રહ્યું છે.
યુએસઆઈબીસીના અહેવાલ પ્રમાણે આ શિખર સંમેલનમાં ભારત સરકાર અને અમેરિકી સરકારના એવા ટોચના અધિકારી એક સાથે આવશે જે મહામારી બાદ ફરી આગળ આવવાની રૂપરેખા પર કામ કરી રહ્યા છે.
શિખર સંમેલનમાં ટોચની અમેરિકી અને ભારતીય કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થશે. આ અધિકારીઓમાં યુએસઆઈબીસીના 2020 ગ્લોબલ લીડરશિપ એવોર્ડ વિજેતા લોકહિડ માર્ટીન કોર્પોરેશનના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) જિમ ટૈસલેટ અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનનો સમાવેશ થાય છે.
આ વર્ષના શિખર સંમેલનને સંબોધિત કરનારાઓમાં અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, નાણાંમંત્રી નિર્મલા સીતારામણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ, અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના ઉપમંત્રી એરિક હૈગન, વર્જીનિયાના સિનેટર માર્ક વાર્નર, કેલિફોર્નિયાના અમેરિકી પ્રતિનિધિ એમી બેરા, રાજદૂત કેનેથ જસ્ટર અને અન્ય ઘણાં સામેલ છે. યુએસઆઈબીસીના કહેવા પ્રમાણે તે અમેરિકા અને ભારતની ભાગીદારીને વધારવા માટેના 45 વર્ષના કામને ઉજવી રહ્યું છે.
યુએસઆઈબીસી ગ્લોબલ બોર્ડના અધ્યક્ષ અને નુવીનના કાર્યકારી ચેરમેન વિજય આડવાણીએ જણાવ્યું કે, 'અમે અમેરિકા-ભારત કારોબાર પરિષદની 45મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન મોદી જોડાયા તેનાથી સન્માનિત થયા છીએ.
આ વર્ષે એક વધુ સારા ભવિષ્યના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત થશે. જે રીતે વડાપ્રધાન મોદી કોવિડ-19ના સ્વાસ્થ્ય પ્રભાવ અને સંબંધિત વૈશ્વિક આર્થિક વિક્ષેપના બેવડા પડકારનો સામનો કરી રહ્યા છે, તેમણે આર્થિક નવીનીકરણ અને સમાવેશી અવસર માટે એક યુગની શરૂઆત કરવામાં ભારત અને અમેરિકાની ભાગીદારીના મહત્વને સ્પષ્ટ કર્યું છે.'
યુએસઆઈબીસીના અધ્યક્ષ નિશા બિસ્વાલના કહેવા પ્રમાણે વડાપ્રધાન મોદીએ સતત અમેરિકી પ્રશાસન સાથે જોડાણના માધ્યમથી અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈએ પહોંચાડ્યા છે.