જાણો ક્યાં કારણોસર ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત થઈ ? ફી ના મામલે શું થયું ? વાંચો સમગ્ર અહેવાલ
સોમવારથી વિદ્યાર્થીઓના હિતમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં સોમવારથી ઓનલાઇન શિક્ષણ શરૂ થઈ જશે તેવી જાહેરાત ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આગેવાનોએ કરી છે.
રાજય સરકારે 16મી જુલાઇએ એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં કોઇપણ શાળા બંધ થઇ ત્યારથી વાસ્તવિક રીતે ચાલુના થાય ત્યાં સુધી ફી નહીં ઉઘરાવી શકે તેવો આદેશ અપાતા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા ૨૨ જુલાઈના જાહેરાત કરાઈ હતી કે, તમામ ખાનગી શાળાએ ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવું. આ સાથે મંડળે પરિપત્રના વિરોધમાં હાઇકોર્ટમાં અરજી કરી હતી.
બીજી તરફ સરકારે તત્કાળ સમિતિ બનાવી વિવિધ ડિજિટલ માધ્યમોથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપશે તેવી જાહેરાત કરી હતી. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓને પણ સૂચના અપાઈ હતી કે, જેમ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે તેમ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પણ આપવું.
ત્યારબાદ સરકારના આ પરિપત્રના વિરોધ સામે અને હવે ફી મામલે કોઈ તટસ્થ માર્ગદર્શન મળે તે અનુસંધાને ગઇકાલે ૨૪ જુલાઈના રોજ સ્વનિર્ભર શાળા સંચાલકો હાઇ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે.
વહીવટી કાર્ય બંધ રાખીને અમારો વિરોધ હજુ પણ ચાલુ રાખ્યો છે : સંચાલક મંડળ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક યાદી જાહેર કરાઈ છે જેમાં જણાવ્યું છે કે, "ગુજરાત રાજયના શિક્ષણ વિભાગના તા. ૧૬-૦૭-૨૦૨૦ ના જી.આર. (આદેશપત્ર) દ્વારા સ્વનિર્ભર શાળાઓના સંચાલનમાં આર્થિક સંકટ ઉભું થાય તેવી વાત કરવામાં આવી હતી. જેથી ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના આજના ઓનલાઇન અધિવેશનમાં નકકી થયા મુજબ સરકાર દ્વારા જે જી.આર. તૈયાર કરવામાં આવ્યો તે બિલકુલ ગેરવ્યાજબી છે, અન્યાય કરતા છે અને શિક્ષણ જગત માટે ખુબજ નિરાશાજનક છે. તેથી આ પરિપત્ર સામે વિરોધ નોંધાવ્યો અને ૨૨ જુલાઈના રોજ ઓનલાઈન શિક્ષણ બંધ થશે તેવી જાહેરાત કરી હતી.
જી.આર.ને પરત ખેંચવા અને શિક્ષણ પુનઃ ઓનલાઈન થાય તેવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા હાઇકોર્ટમાં તા.૨૪ ના રોજ રીટ પીટીશન દાખલ કરેલ છે, તેનો ન્યાયપાલિકાએ સ્વીકાર કર્યો છે.
તા.૨૩ના રોજ મહામંડળ દ્વારા સમગ્ર ગુજરાતની શાળાઓ સાથે ચર્ચા કરી હતી અને સમગ્ર સ્વનિર્ભર શાળાઓએ સ્વયંભૂ અનઅધ્યયની અસહકારની શાંતિપૂર્ણ રજૂઆત કરી હતી.
પરંતુ આ બે દિવસના સમય દરમ્યાન વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ઓનલાઈન શિક્ષણ આપવા માટે ઘણા બધા ફોન કોલ્સ, મેસેજ અને રિકવેસ્ટ આવેલી છે તેના અનુસંધાને અમે ધણા બધા તજજ્ઞો સાથે ચર્ચા - વિચારણા કરી તેના મંતવ્ય મુજબ અને નાના બાળકોનું શિક્ષણ વધારે સમય જોખમાય અને શિક્ષણથી બાળકો વિમુખ ન થાય એ માટે અમે એવો નિર્ણય લીધો છે કે, બાળકોનું શિક્ષણ વધારે ન બગડે એ માટે ઓનલાઈન શિક્ષણ સોમવાર તા. ૨૭થી શરૂ કરીએ છીએ, એવું મંડળે અખબારી યાદીમાં જણાવેલ છે.
સમગ્ર સંચાલક મંડળના હોદ્દેદારો પ્રતિનિધિઓ અને કોર કમિટી તેમજ અખિલ ગુજરાત રાજયે સંચાલક મહામંડળના પ્રમુખ નારણભાઈ પટેલ સૌએ એક અવાજે નિર્ણાયક સ્વરૂપે સંમતિ આપેલ છે તેથી બાળકોના હિતમાં આ નિર્ણય લીધો છે. પણ સરકારના આ અભિગમ સામે અસહકારથી વિરોધ નોંધાવીએ છીએ. સરકાર સાથે અમારા ધણા સૈદ્ધાંતિક મતભેદો છે, તેનો અમને રોષ છે તથા સ્કૂલના વહીવટી કાર્ય પણ બંધ રાખીને અમારો વિરોધ હજુ પણ ચાલુ રાખ્યો છે." તેમ મંડળની યાદીમાં લખાયું છે.
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ના ઉપપ્રમુખ અને રાજકોટ ભરાડ ગ્રુપના જતીનભાઈ ભરાડએ સાંજ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું કે :
હાલ ઓનલાઈન શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો છે.
આવતા મહિને JEE અને NEET ની પરિક્ષા છે, ધો. ૧૨ સાયન્સ ના વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે. આ ઉપરાંત શાળા સંચાલકોને અનેક વાલીઓએ મેસેજ, ફોન કરી ફરી શિક્ષણ શરૂ થાય તે માટે કહ્યું અને ખાસ કરીને જેને ફી ભરી ચૂકેલ છે તેના પણ ફોન આવ્યા હતા. આ ઉપરાંત સરકાર હાલ જે પણ શિક્ષણ ઓનલાઈન શરૂ કર્યું હતું તે ગુજરાતી માધ્યમ માટે જ હતું જેથી અંગ્રેજી માધ્યમ ના બાળકો, અન્ય બોર્ડના બાળકો ને અસર થતી. જેથી તમામ વિદ્યાર્થીઓના હિત માટે ફરી થી શિક્ષણ ચાલુ કરવા નિર્ણય લેવાયો છે.
ફી નું શું ?
હાલ મેટર હાઈ કોર્ટમાં છે, જે કોર્ટ કહેશે તે રીતે આગળ વધીશું. હાલ, ઓનલાઈન શિક્ષણ સોમવારથી શરૂ કરવાનો નિણર્ય લીધો છે.