કાર્યક્રમમાં સામેલ થનારા લોકો માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય રહેશે
ઘણી લાંબી રાહ જોયા બાદ હવે રામની નગરી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં 5મી ઓગષ્ટે યોજાનારા ભૂમિ પૂજન પહેલા સોમવારથી જ ત્રણ દિવસનું પૂજન અનુષ્ઠાન શરૂ થઈ ગયું છે. ત્યારે અમેરિકાના ન્યૂયોર્કમાં પણ આ ઉત્સવની તૈયારી થઈ રહી છે. આવતીકાલે એટલે કે 5મી ઓગષ્ટે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં 'Ram Temple Groundbreaking Celebrations' યોજાવા જઈ રહ્યું છે. બુધવારે સાંજે 7:30 કલાકે આ સમારંભનું આયોજન થશે.
રામ જન્મભૂમિ શિલાન્યાસ કમિટી (યુએસએ)ના ચેરમેન જગદીશ સેવહાનીના કહેવા પ્રમાણે 5મી ઓગષ્ટે સાંજે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાશે અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ટાઈમ્સ સ્ક્વેર પર ભગવાન રામ અને અયોધ્યા મંદિરના મોડલની 3D તસવીરો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમમાં સામેલ થનારા લોકો માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય રહેશે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 5મી ઓગષ્ટે ભૂમિ પૂજન કાર્યક્રમમાં 9 બ્રાહ્મણો પ્રત્યક્ષતઃ પૂજન કરાવશે. જો કે આ અવસરે ધાર્મિક વિધિ, અનુષ્ઠાન સાથે સંકળાયેલા તમામ 21 બ્રાહ્મણો પણ સાક્ષી રહેશે. ભૂમિ પૂજન દરમિયાન સંકલ્પ પણ લેવામાં આવશે. આ સંકલ્પમાં પૂજા કયા ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે તે સ્પષ્ટ કરવામાં આવે છે.
5મી ઓગષ્ટના કાર્યક્રમ માટે શ્રી રામ જન્મભૂમિના આમંત્રણ પત્રમાં બપોરના 12:30 કલાકનો સમય આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સંપૂર્ણ કાર્યક્રમ 40 મિનિટ સુધી ચાલે તેવી શક્યતા છે. 5 ઓગષ્ટના રોજ ગર્ભગૃહમાં પૂજા થશે અને અસ્થાઈ મંદિરમાં રામલલ્લાના સાનિધ્યમાં રામ અર્ચના થશે. આ અવસર પર વડાપ્રધાન શિલાપટ્ટનું પણ અનાવરણ કરશે. મંદિરના નવા મોડલવાળી 5 રૂપિયાની ટપાલ ટિકિટને પણ લોન્ચ કરવામાં આવશે. તે સિવાય વડાપ્રધાન હનુમાનગઢી ખાતે પારિજાતનું વૃક્ષારોપણ પણ કરશે.