કૃષિ સંપત્તિઓનું જતન કરવા અને કાપણી પછીના મેનેજમેન્ટ માટે કૃષિ સેક્ટરના ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટ અપ અને કૃષિ ટેક્નોલોજી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા એક લાખ કરોડના એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા નવા એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગયા મહિને કેન્દ્રીય કેબિનેટે કોવિડ-૧૯ની મહામારી સામે લડવા માટે જાહેર કરાયેલા રૂપિયા ૨૦ લાખ કરોડના સ્ટિમ્યૂલસ પેકેજના ભાગરૂપે આ ભંડોળને મંજૂરી આપી હતી. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો અમલ વર્ષ ૨૦૧૮થી શરૂ કરાયો હતો.
નવું એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ૨૦૨૯ એટલે કે ૧૦ વર્ષ સુધી અમલમાં રહેશે. આ ફંડ દ્વારા પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટી ર્ફાિંમગ એસેટ્સ જેવા પ્રોજેક્ટમાં રોકાણ કરાશે. તેમાં વ્યાજમાં સબસિડી અને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે. આ ફંડ અંતર્ગત પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ, ખેડૂત સંગઠનો, કૃષિ ઉત્પાદન સંગઠનો, કૃષિ ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટ અપ, એગ્રિ-ટેક કંપનીઓને લોન અપાશે. આ માટે વિવિધ નાણાં ધિરાણસંસ્થાઓ સાથે ભાગીદારી કરીને રૂપિયા એક લાખ કરોડનું ફંડ મંજૂર કરાશે. આ માટે જાહેર ક્ષેત્રની ૧૨માંથી ૧૧ સરકારી બેન્કોએ કેન્દ્રીય કૃષિ મંત્રાલય સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ઓનલાઇન મેનેજમેન્ટ ઇનફર્મેશન સિસ્ટમ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત રહેશે. લોન માટે આ પ્લેટફોર્મ પર અરજી કરવાની રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત ૮.૫૫ કરોડ ખેડૂત લાભાર્થીઓ માટે રૂપિયા ૧૭,૧૦૦ કરોડનો છઠ્ઠો હપતો જારી કર્યો હતો. આ સાથે ૮.૫૫ કરોડ ખેડૂતોનાં બેન્ક ખાતાંમાં રૂપિયા બે-બે હજાર જમા થયા હતા. ૨૦૧૮માં શરૂ કરાયેલી પીએમ-કિસાન સ્કીમમાં સરકાર દ્વારા દર વર્ષે ૧૪ કરોડ ખેડૂતોના બેન્ક ખાતાંમાં ૩ હપતામાં રૂપિયા ૬૦૦૦ની આર્થિકસહાય જમા કરાવવામાં આવે છે. આ રકમ ખેડૂતોનાં બેન્ક ખાતાંમાં સીધી જમા થતી હોય છે.
નવું એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
૩ ટકાની વ્યાજસબસિડી અને રૂપિયા બે કરોડ સુધીની ક્રેડિટ ગેરંટી
વર્તમાન વર્ષમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડને મંજૂરી સાથે ચાર વર્ષ સુધી લોન અપાશે
તે પછીના ૩ નાણાકીય વર્ષમાં દર વર્ષે રૂપિયા ૩૦,૦૦૦ કરોડની ફાળવણી
લોનની પુનઃચુકવણી માટે મોરાટોરિયમ લઘુતમ ૬ મહિનાથી મહત્તમ બે વર્ષ રહેશે
રૂપિયા બે કરોડ સુધીની લોન માટે સીજીટીએસએમએસઇ અંતર્ગત ક્રેડિટ ગેરંટી કવરેજ
આ ક્રેડિટ ગેરંટી કવરેજ માટેની ફીની ચુકવણી સરકાર દ્વારા કરાશે
શેના માટે લોન આપવામાં આવશે?
* કોલ્ડ સ્ટોર અને કોલ્ડ સ્ટોરેજ ચેઇન
* વેર હાઉસિંગ
* સિલોસ
* એસેયિંગ
* ગ્રેડિંગ અને પેકેજિંગ યુનિટ
* ઇ- માર્કેટિંગ પોઇન્ટ
* ઇ-ટ્રેડિંગ પ્લેટફોર્મ
* રાઇપનિંગ ચેમ્બર્સ – ક્રોપ એગ્રિગેશન માટે પીપીપી પ્રોજેક્ટ