વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરતા પાકિસ્તાન અને ચીનના મુદ્દે વિશે કહ્યુ કે LoC થી લઈને LAC સુધી દેશની સંપ્રભુતા પર જેણે પણ આંખ ઉઠાવી છે, દેશે અને દેશની સેનાએ તેનો તે જ ભાષામાં જવાબ આપ્યો છે.
મહામારીની ચર્ચા કરતા વડાપ્રધાને કહ્યુ કે આજે ભારતમાં કોરોના વાઈરસની એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વેક્સિન આ સમયે ટેસ્ટિંગના તબક્કામાં છે. વૈજ્ઞાનિકો તેને લીલી ઝંડી આપશે કે તરત જ દેશની તૈયારી તે વેક્સિનનુ મોટુ ઉત્પાદન કરવાની પણ છે.
દેશના દરેક જરૂરિયાત મંદ સુધી ઓછામાં ઓછા સમયમાં વેક્સિનને પહોંચાડવાની રૂપરેખા પણ તૈયાર છે. પીએમે કહ્યુ કે આજથી દેશમાં વધુ એક મોટા પાયે અભિયાન શરૂ થવા જઈ રહ્યુ છે. એ છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લઈને આવશે. આપના દરેક ટેસ્ટ, દરેક બીમારી, આપને કયા ડૉક્ટરે કઈ દવા આપી, ક્યારે આપી, આપની રિપોર્ટસ શુ હતી, આ તમામ જાણકારી આ એક હેલ્થ આઈડીમાં સમાવેશ કરાશે.
કોરોના વૉરિયર્સને નમન કરૂ છુ: PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આજે આપણે જે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ મા ભારતીના લાખો દિકરા-દિકરીઓના ત્યાગ, બલિદાન અને મા ભારતીને આઝાદ કરાવવા માટે સમર્પણ છે. આજે એવા તમામ સ્વતંત્રતા સેનાનીઓને, વીર શહીદોને નમન કરવાનો આ પર્વ છે. કોરોના સમયમાં પોતાના જીવનની ચિંતા કર્યા વિના આપણા ડૉક્ટર્સ, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, એમ્યુલન્સ કર્મી, સફાઈ કર્મચારી, પોલીસ કર્મી, સેવાકર્મી, અનેક લોકો, ચોવીસ કલાક સતત કામ કરી રહ્યા છે. એ તમામ કોરોના વૉરિયર્સને પણ હુ આજે નમન કરૂ છુ.
NCC કેડેટ્સની વિશેષ ટ્રેનિંગ હશે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે હવે એનસીસીનો વિસ્તાર દેશના 173 બોર્ડર અને તટવર્તી જિલ્લા સુધી સુનિશ્ચિત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ લગભગ 1 લાખ નવા NCC કેડેટ્સને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં પણ લગભગ એક તૃતીયાંશ દિકરીઓને આ સ્પેશ્યલ ટ્રેનિંગ આપવામાં આવશે.
PM મોદીએ કહ્યુ કે, આત્મનિર્ભરની પહેલી પ્રાથમિકતા આત્મનિર્ભર કૃષિ અને ખેડૂત છે. એક પછી એક રિફોર્મ ખેડૂતો માટે કરાયા છે. ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ અમે કર્યું છે. તમે કપડા કે સાબુ બનાવો તો તેને તમારી મરજીથી વેચી શકો છો, દેશનો ખેડૂત પોતાની મરજીથી વેચી શકતો નહોતો. તેના તમામ બંધનો અમે દૂર કરી દીધા છે. હવે દેશનો ખેડૂત દુનિયાના કોઈ પણ ખૂણામાં તેની શરતો સાથે પાકને વેચી શકે છે. ખેતીમાં ઈનપુટ કોસ્ટ કેવી રીતે ઘટાડી શકાય, સોલર પમ્પ કેવી રીતે મળે. મત્સ્યઉદ્યોગ જેવા ઉદ્યોગો સાથે કેવી રીતે જોડાઈ શકાય, એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ગત દિવસોમાં એક લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારે ફાળવ્યા છે. આનાથી વિશ્વ બજારમાં ભારતના ખેડૂતના પહોંચ વધશે.
પીએમ મોદીએ સંબોધનમાં ઉમેર્યું કે, તમામ પ્રાકૃતિક આપદાઓ બાદ પણ દેશે આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી. દેશને કોરોનાના પ્રભાવથી બહાર કાઢવું અમારી પ્રાથમિકતા છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયુ છે કે, सामर्थ्य्मूलं स्वातन्त्र्यं, श्रममूलं च वैभवम्.. કોઇપણ સમાજ, કોઇપણ દેશની આઝાદીનો સ્ત્રોત તેનું સામર્થ્ય હોય છે. તેના વૈભવનો, ઉન્નતિ પ્રગતિનો સ્ત્રોત તેમની શ્રમ શક્તિ હોય છે. દેશનાં સામાન્ય નાગરિકની મહેનત તેના પરિશ્રમનો કોઇ મુકાબલો નથી. ગત 6 વર્ષોમાં દેશમાં મહેનત કરનારા લોકોનાં કલ્યાણ માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી. કોઇપણ ભેદભાવ વગર પૂરી પારદર્શિતાની સાથે તમામ લોકોનને ઘણી યોજનાઓ દ્વારા મદદ પહોંચાડવામાં આવી.
પીએમ મોદીએ જણાવ્યું કે, ગત વર્ષે ભારતમાં FDIએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગત વર્ષે ભારતમાં FDI 18% વધ્યું. એટલા માટે કોરોના કાળમાં પણ દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારત તરફ આવી રહી છે. આ વિશ્વાસ એમ જ ઊભો નથી થયો. આમ જ દુનિયા ભારત તરફ નથી વળી.આના માટે ભારતે તેની નીતિ અને લોકતંત્રની મજબૂતાઈ પર કામ કર્યું છે, ભારતે આ વિશ્વાસ ઊભો કર્યો છે.
કોઈ વિચારી પણ શકતું ન હતું કે, એક સમયે ગરીબોના જનધન ખાતામાં લાખો-કરોડો રૂપિયા સીધા ટ્રાન્સફર થઈ જશે. કોઈ વિચારી શકતું હતું કે, ખેડૂતોના ભલા માટે કાયદામાં ફેરફાર થઈ શકે છે? કોઈ વિચારી શકતું હતું કે, આપણું સ્પેસ સેક્ટર આપણા દેશના યુવાનો માટે ખોલી દેવાશે? આજે આપણે જોઈ રહ્યા છીએ કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય, વન નેશન વન કાર્ડની વાત હોય, વન નેશન વન ગ્રિડની વાત હોય, વન નેશન વન ટેક્સની વાત હોય, બેન્કરપ્સી કોડની વાત હોય અથવા બેન્કોને મર્જ કરવાનો પ્રયાસ હોય, ભારતના પરિવર્તનના આ સમયમાં રિફોર્મને દુનિયા જોઈ રહી છે.
કોરોના સંકટમાં આપણે જોયું કે, દુનિયામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. આ દેશમાં N-95 માસ્ક નહોતા બનતા, PPE કીટ નહોતી બનતી, વેન્ટીલેટર નહોતા બનતા, હવે બનવા લાગ્યા છે. આત્મનિર્ભર ભારત દુનિયાની કેવી રીતે મદદ કરી શકે છે, એ આજે આપણે જોઈ શકીએ છીએ. ઘણું બધુ થયું છે. આઝાદ ભારતની માનસિકતા શું હોવી જોઈએ. વોકલ ફોર લોકલ. સ્થાનિક ઉત્પાદનોનું ગૌરવ કરવું જોઈએ.આવું નહીં કરીએ તો તેમની હિંમત કેવી રીતે વધશે. આપણે મળીને સંકલ્પ લેવો જોઈએ કે 75 વર્ષની તરફ આગળ વધી રહ્યા છીએ તો વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવીશું.
વડાપ્રધાને કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે 130 કરોડ દેશવાસીઓએ આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો. આત્મનિર્ભર ભારત દેશવાસીઓનાં મન મસ્તિકમાં છવાયેલો છે. આ આજે માત્ર શબ્દ નથી રહ્યો. પરંતુ 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયો છે. આજે દુનિયા ઇન્ટર કનેક્ટેડ છે. એટલે સમયની માંગ છે કે, વિશ્વની અર્થવ્યવસ્થામાં ભારતનું યોગદાન વધવું જોઇએ. આ દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાનું જ છે. જ્યારે આપણામાં સામર્થ્ય હશે તો આપણે દુનિયાનું પણ કલ્યાણ કરી શકીશું. આજે દેશ અનેક નવા પગલા લઇ રહ્યો છે. તમે જુઓ તો સ્પેસ સેક્ટરને ખુલ્લો મુકી દીધો છે. દેશનાં યુવાનોને તક મળી રહી છે. આપણે કૃષિ ક્ષેત્રને બંધનોથી મુક્ત કરી દીધું છે. આપણે આત્મનિર્ભર ભારત બનવાનો પ્રયાસ કર્યો છે.