અલબત, ખાનગી સંચાલકે સ્ટેશનની યાદી રેલવેને અગાઉથી આપવી પડશે
સરકાર દ્વારા રેલવેના ખાનગીકરણની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આ ખાનગી ટ્રેનો કયાં કયાં રોકાશે તેના માટે સંચાલકોને આઝાદી મળશે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ રેલવે દ્વારા 109 માર્ગો પર 150 ખાનગી રેલગાડીઓ ચલાવવાની જવાબદારી ખાનગી સંચાલકોને આપવામાં આવી છે. તેમને ટ્રેનોના હોલ્ટ માટે સ્ટેશનો પસંદ કરવાની આઝાદી મળશે. રેલવે દ્વારા આ બારામાં જાહેર દસ્તાવેજમાં તેની જાણકારી અપાઈ છે, અલબત, ખાનગી સંચાલકોએ અગાઉથી એ સ્ટેશનોની યાદી રેલવેને ઉપલબ્ધ કરાવવાની રહેશે, જયાં તે હોલ્ટ કરવા માંગે છે. સાથે સાથે ખાનગી સંચાલકોએ એ પણ જણાવવાનું રહેશે કે આ સ્ટેશનો પર ટ્રેન કેટલા વાગ્યે આવશે અને કેટલા વાગ્યે જશે. સમજુતી અનુસાર સંચાલકે અગાઉથી આ માહિતી આપવી પડશે.
ટ્રેનના સ્ટેશને રોકાણની સમય સારણી (ટાઈમટેબલ) ઓછામાં ઓછી એક વર્ષ માટે રહેશે. ત્યારબાદ વચ્ચેના સ્ટેશનો પર ટ્રેનના રોકાણની સમીક્ષા કરવામાં આવશે.
વર્ષ 2023થી શરૂ થઈ રહેલી આ ખાનગી રેલગાડીઓનું ભાડુ કોઈ ઓથોરીટી નિયમિત નહીં કરે અને સંચાલક બજારની પરિસ્થિતિ મુજબ ભાડુ નકકી કરી શકે છે.