કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં માહિતી આપી, લોકો સુધી પહોંચાડવા બ્લુપ્રિન્ટ તૈયાર હોવાનું જણાવ્યું
કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે ભારતમાં વેક્સિનની પ્રગતિ વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં એક કોરોના વેક્સિન માનવ પરીક્ષણના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ સફળતા પછી, રસી સામાન્ય લોકો માટે ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થઈ શકે છે. આજે મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને નીતિ આયોગે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતમાં ત્રણ કોરોના વેક્સિન પર કામ ચાલુ છે. રસીને વિકસિત કરવામાં આવી રહી છે. પરીક્ષણોમાંથી ત્રીજા તબક્કાની શરૂઆત આજ કે આવતીકાલથી થશે.
પત્રકાર પરિષદ દરમિયાન નીતી આયોગના સભ્ય ડો.વી.કે. પૌલે કહ્યું કે, જ્યાં સુધી વેક્સિનની વાત છે, તો વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં ત્રણ રસી વિકસિત કરવામાં આવી રહી છે અને તે વિવિધ સ્તરોના પરીક્ષણોમાં છે. આમાંથી એકનો આજે અથવા આવતીકાલે માનવ પરીક્ષણના ત્રીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવશે. એક રસી પ્રથમ તબક્કામાં છે અને બીજી રસી બીજા તબક્કામાં છે.
વેક્સિનના બે ડોઝ જરૂર પડે તો તે ઉપલબ્ધ કરાશે, બ્લૂ પ્રિન્ટ તૈયાર છે
ડો.વી.કે. પૌલે કહ્યું કે ત્રણેય રસી યોગ્ય રીતે વિકસિત થઈ રહી છે. કોરોના વેક્સિનના પુરવઠાને લઈ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. રસીના પ્રકારો જોઈને આગળનું આયોજન કરવામાં આવશે. સંભવ છે કે રસીના બે ડોઝ લેવા પડે, તેથી તે મુજબ યોજના તૈયાર કરવામાં આવશે. વેક્સિન અભિયાન એ દેશનું અભિયાન છે.
વેક્સિન ક્યારે તૈયાર થશે? આ અંગે પૌલે કહ્યું કે, ફેઝ 3 માં વધુ સમય લાગશે જેથી રસી ક્યારે આવશે તે કહેવું યોગ્ય નથી. પ્રથમ અને બીજા તબક્કામાં આવેલી આ વેક્સિનનું એક અથવા બે અઠવાડિયામાં પરિણામો આવશે અને જે વેક્સિન ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે, તેનું પરિણામ મેળવવામાં વધુ સમય લાગશે.
આ વેક્સિન તૈયાર થયા બાદ પણ લોકોને ઉપલબ્ધ થવા માટે થોડો વધુ સમય લાગી શકે છે જો કે, ચોક્કસથી માની શકાય કે કોરોનાની રસી થોડા મહિનામાં દેશવાસીઓને સુધી પહોંચી જશે.