કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને શુક્રવારે જણાવ્યું હતું કે, ભારત દ્વારા વિકસાવાઈ રહેલી કોરોના રસીઓની ટ્રાયલ સમાપ્ત થયા પછી તેમની ઉપલબ્ધતા અંગે વર્ષના અંત સુધીમાં જાણી શકાશે. સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીનું ઉત્પાદન પરીક્ષણોને સમાંતર ચાલી રહ્યું છે જેના કારણે રસીને માર્કેટમાં લાવવામાં સમય નહીં લાગે. ભારતમાં વિકસાવાઈ રહેલી અન્ય બે રસીના ઉત્પાદન માટે ઓછામાં ઓછા એક મહિનાનો વધુ સમય લાગશે અને તેમને તબક્કાવાર રીતે બજારમાં મુકાશે. જો વેક્સિન ટ્રાયલના પરિણામ સફળ રહેશે તો ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક સુધીમાં ઉપયોગ માટે તૈયાર થઈ જશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપની દ્વારા વિકસાવાયેલી કોવાક્સિન રસીની હૃુમન ટ્રાયલ બે સપ્તાહ મોડી શરૂ થઈ હતી અને તે ૨૦૨૦ના અંત સુધીમાં ઉપલબ્ધ બને તેવી સંભાવના છે. સિરમ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી પણ વર્ષાંત સુધીમાં ઉપલબ્ધ બની જશે. ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી રસી આગામી કેટલાક મહિનામાં ક્લિનિકલ ટ્રાયલ પૂરી કરી લેશે.