ચીન મુદ્દે ચીફ ઑફ ડિફેન્સ જનરલ રાવતની સ્પષ્ટ વાત
અવળચંડા લોકો સાથે લડ્યા વિના ચાલે નહીં
ભારત અને ચીન વચ્ચે હાલ લદ્દાખમાં ચાલી રહેલી લમણાફોડના સંદર્ભમાં ચીફ ઑફ ડિફેન્સ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે આપણે શાંતિપૂર્ણ વાટાઘાટ કરી રહ્યા છીએ. વાટાઘાટ સફળ નહીં નીવડે તો લડી લેવાની આપણી પૂર્ણ તૈયારી હતી. ચીને કેટલાક ભારતીય વિસ્તારોમાં કરેલી ઘુસણખોરી સામે લશ્કરી પગલાં લેવાનો આપણો વિકલ્પ ખુલ્લો છે એમ તેમણે કહ્યું હતું.
દિલ્હીથી પ્રગટ થતા એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે કદાચ વાટાઘાટ નિષ્ફળ નીવડે તો લશ્કરી પગલાં લેવાનો વિચાર કરી શકાય છે. આપણી એ દિશામાં પણ તૈયારી થઇ રહી હોવાની માહિતી તેમણે એપા હતી. તેમણે કહ્યું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત તમામ સંરક્ષણ નિષ્ણાતો ઇચ્છે છે કે લદ્દાખમાં પહેલા જેવી પરિસ્થિતિ સર્જાય.
તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે સરકાર શાંતિપૂર્ણ વિકલ્પો દ્વારા નિરાકરણ લાવવા માગે છે પરંતુ એનો અર્થ એવો નથી કે લશ્કર ચૂપ બેઠું છે. નોર્થ લદ્દાખમાં આપણી લશ્કરી ટુકડીઓ તૈયાર બેઠી હતી. લાઇન ઑફ કન્ટ્રોલમાં થતા અતિક્રમણને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. લશ્કરનું કામ સરહદો પર ચાંપતી નજર રાખવાનું અને કોઇ પણ પ્રકારની ઘુસણખોરીને જરૂર પડ્યે બળ વાપરીને અટકાવવી. પરંતુ સરકાર ઇચ્છે છે કે આ મામલે શાંતિપૂર્ણ ચર્ચા દ્વારા કામ થઇ શકતું હોય તો લડાઇ ન કરવી. બાકી લશ્કર તો બારેમાસ ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી રાખતું હોય છે.
છેલ્લા થોડા સમયથી ચીન મોઢેથી તો શાંતિની વાતો કરે છે પરંતુ બીજી બાજુ લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ઘુસણખોરી કરીને અમુક તમુક વિસ્તારોને પોતાની માલિકીના ગણાવતા દાવા કરે છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે કોરોના મુદ્દે દુનિયાભરમાં બદનામ થવાથી ચીન વિશ્વનું ધ્યાન બીજી તરફ દોરવા માટે સરહદો પર અટકચાળા કરી રહ્યું હતું.