- સાત કલાક લાંબી બેઠક પછી સ્થિતિ જૈસે થે
- કોંગ્રેસના 23 સિનિયર નેતાઓએ કાર્યકારીને બદલે કાયમી પ્રમુખ નિમવાની માગણી કરતો પત્ર લખ્યો પછી વિવાદ સર્જાયો હતો
કોંગ્રેસ વર્કિંગ કમિટીની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. સાત કલાક સુધી ચાલેલી બેઠક પછી સોનિયા ગાંધીને જ પ્રમુખ તરીકે કાર્યરત રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. 23 જેટલા સિનિયર નેતાઓએ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરતો પત્ર લખ્યો તે પછી સોનિયા ગાંધીએ નવા પ્રમુખની વરણી કરવાનો પ્રસ્તાવ મૂકીને રાજીનામાની પેશકશ કરી હતી.
કોંગ્રેસના 23 જેટલા સિનિયર નેતાઓએ પત્ર લખીને કાર્યકારી પ્રમુખને બદલે પાર્ટીના કાયમી અને સક્રિય પ્રમુખ નિમવાની રજૂઆત કરી હતી. તે પછી એક્ટિંગ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ નવા પ્રમુખની વરણી કરવાનો પ્રસ્તાવ મૂકીને રાજીનામાની પેશકશ કરી હતી. નેતૃત્વ પરિવર્તનની માગણી કરતા પત્ર પછી કોંગ્રેસની વર્કિંગ કમિટીની વર્ચ્યુઅલ બેઠક મળી હતી.
સાત કલાક સુધી ચાલેલી વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધીને જ પ્રમુખ તરીકે યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. ગાંધી પરિવારના નજીકના નેતાઓએ આ પત્ર અંગે નારાજગી વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ પણ પત્રના ટાઈમિંગ બાબતે સવાલો ઉઠાવ્યા હતા.
સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે રાહુલ ગાંધીએ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે જ્યારે સોનિયા ગાંધી હોસ્પિટલમાં હતા ત્યારે જ કેમ પત્ર લખાયો? આ મુદ્દે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ચર્ચા થવી જોઈએ કે મીડિયામાં? એવો સવાલ પણ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કર્યો હતો.
બેઠક શરૂ થઈ ત્યારે સોનિયા ગાંધીએ સભ્યોને કહ્યું હતું કે પક્ષના નવા અધ્યક્ષની નિમણૂક કરીને તેમને જવાબદારીમાંથી મુક્ત કરો. પરંતુ સભ્યોએ સોનિયા ગાંધીને પદ પર બન્યા રહેવાની વિનંતી કરી હતી.
પૂર્વ પીએમ મનમોહન સિંહ, સિનિયર નેતા એકે એન્ટની સહિતના સિનિયર નેતાઓએ સોનિયા ગાંધીને પ્રમુખ તરીકે સક્રિય રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું. કોંગ્રેસના નજીકના સૂત્રોને ટાંકીને કહેવાયું હતું કે જે નેતાઓએ નેતૃત્વ પરિવર્તનની માગણી કરતો પત્ર લખ્યો હતો એમાંથી ઘણાં સિનિયર નેતાઓએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના બેઠકમાં તેનાથી તદ્ન અલગ મત રજૂ કરીને કહ્યું હતું કે તેમને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં પૂરો ભરોસો છે.
સિબલ-આઝાદ વર્સિસ રાહુલ ગાંધી
વર્કિંગ કમિટીની બેઠક ચાલતી હતી ત્યારે સૂત્રોને ટાંકીને એવા અહેવાલો રજૂ થયા હતા કે રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે જે નેતાઓએ પત્ર લખ્યો છે એની ભાજપ સાથે સાંઠગાંઠ છે. આ દાવા પછી વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે તુરંત પ્રતિક્રિયા આપતી ટ્વીટ કરી હતી. સિબ્બલે લખ્યું હતું : રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે અમારી ભાજપ સાથે સાંઠગાંઠ છે. રાજસ્થાન હાઈકોર્ટમાં કોંગ્રેસ પાર્ટીનો પક્ષ રાખ્યો, મણિપૂરમાં ભાજપની સરકાર સામે લડત આપી. 30 વર્ષમાં ક્યારેક ભાજપની તરફેણમાં એક નિવેદન નથી આપ્યું છતાં અમે ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનું કહેવાય છે. જોકે, કપિલ સિબ્બલે એ ટ્વીટ ડિલિટ કરીને નવી ટ્વીટ કરી હતી, જેમાં લખ્યું હતું : રાહુલ ગાંધી સાથે વાત થઈ પછી મને ખબર પડી કે તેમણે ભાજપ સાથે સાંઠગાંઠ છે એવું નિવેદન અમારા માટે આપ્યું નથી. એટલા માટે હું મારી જૂની ટ્વીટ પાછી ખેંચું છું. રાજ્યસભાના કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પણ રાહુલ ગાંધીના નિવેદન અંગે નારાજગી દર્શાવી હતી. આઝાદે કહ્યું હતું કે જો ભાજપ સાથે સાંઠગાંઠ સાબિત થશે તો હું રાજીનામુ આપી દઈશ.
ગાંધી અને બિનગાંધી : કોંગ્રેસમાં બે ભાગ
કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી થઈ એ પછી ફરી વખત ગાંધી પરિવારના સમર્થક અને ગાંધી પરિવારને બદલે અન્ય કોઈને પ્રમુખ બનાવવા ઈચ્છતા નેતાઓ એમ કોંગ્રેસમાં બે જૂથ પડી ગયા છે. રાહુલ ગાંધીના નેતૃત્વ સામે વારંવાર ગણગણાટ થતો રહે છે. ગાંધી પરિવારને બદલે બિનગાંધીને કોંગ્રેસનું સુકાન સોંપવાની માગણી પણ થતી રહે છે. ગાંધી પરિવારને બદલે અન્ય કોઈને સુકાન આપવાના નિવેદનો છૂટા-છવાયા આવતા રહે છે, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષો પછી પ્રથમ વખત 23 સિનિયર નેતાઓએ પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરીને બિનગાંધી પ્રમુખની તરફેણ કરી છે.