ખાડા ગુજરાતના : રાજયના 5500 રસ્તા ધોવાયા, 400 કરોડ જેટલુ નુકશાન : 9301 કિ.મી.ના રસ્તાઓનું પેચ અને મેટલ વર્ક થશે : કોન્ટ્રાકટર પાસેથી જ પેનલ્ટી વસુલાશે
ભારે વરસાદના પરિણામે રાજ્યના 5500 જેટલા રસ્તાઓનું ધોવાણ થયું છે. રસ્તાઓના ધોવાણને કારણે અંદાજે રૂપિયા 350થી 400 કરોડનું નુકશાન થયું હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યભરના રસ્તાઓના થયેલા નુકશાન સંદર્ભે મહત્વની રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આગામી નવરાત્રિ અને દિવાળી સુધીમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નુકશાન અંગેનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના પરિણામે 1022 કિ.મી.ના રસ્તા તાત્કાલિક રિપેર કરવાના આદેશ થયા છે તો 3379 કિ.મી.ના રસ્તા પર મેટલ અને પેચવર્કની જરૂરિયાત છે. આમ 9301 કિ.મી.ના રસ્તાઓનું સરકાર રિપેરિંગ કરશે.
નીતિન પટેલે કહ્યું કે, આ સિવાય કોન્ટ્રાક્ટરની જવાબદારીવાળા 9301 કિ.મી. રસ્તા વાહન ચલાવવા યોગ્ય રહ્યા નથી. જેને ટૂંક સમયમાં મોટરેબલ કરી દેવામાં આવશે. મોટા ખાડા, મેટલ વર્કની કામગીરી, ડામર-પેવર ખાનગી ઈજારદારોને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વરસાદ બધં થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં રસ્તાનું કામ યુદ્ધના ધોરણે હાથ પર લેવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી મુજબ, આ માટે ભારત સરકાર દ્વારા SDRF(સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્સ ફંડ) અને રાજ્ય સરકાર પોતાના એમ બન્ને પોતાનું ફડં એકત્રિત કરીને 30 જેટલા નેશનલ હાઈ-વેને મેઈન્ટેન્સ સ્થિતિમાં લાવવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર્રના રાજકોટ-સોમનાથથી ભાવનગર સુધીનો રસ્તો નેશનલ હાઈ-વેની જવાબદારીમાં આવે છે. તેમજ જરૂર પડ્યે રસ્તાનું રિટેન્ડરિંગ પણ કરવામાં આવશે. આ જ રીતે દક્ષિણ-ગુજરાત અને ઉત્તર ગુજરાતના રસ્તાઓનું કામ પણ ઝડપથી હાથ પર લેવામાં આવશે. જેની સતત સમીક્ષા કરવામાં આવશે.
ચીફ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને ફિલ્ડમાં જવા આદેશ
નાયબ મુખ્યમંત્રીએ રોડ-રસ્તાના કામમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે રાજ્યના ચીફ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઓફિસમાં વહીવટી કામકાજ કરવાને બદલે તમામને ફિલ્ડવર્કમાં જવા આદેશ કર્યો છે. તેમજ શુક્રવાર, શનિવાર અને રવિવાર આ ત્રણ દિવસ જિલ્લામાં ચાલતા કામકાજની મુલાકાત લઈને કામનું ચેકિંગ કરવામાં આવશે. રાજ્યમાં ચાલતા રોડ-રસ્તાના કામકાજને લઈ નાયબ મુખ્ય નીતિનભાઈ પટેલ દર 15 દિવસે રિવ્યૂ બેઠક કરશે. જેમાં બધા એન્જિનિયરો જેમને જે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે તે તમામે કામનો પ્રગતિ અહેવાલ આપી રોડ-રસ્તાના કામની સમીક્ષા કરવાની રહેશે.
ધારાસભ્ય રજૂઆત કરી શકશેકોઈપણ પક્ષના ધારાસભ્ય હોય તે ધારાસભ્ય દ્વારા તેમના વિસ્તારમાં ચાલી રહેલા રોડ-રસ્તાના કામ અંગે નિયમિત માહિતી લેવામાં આવશે. કોઈપણ પક્ષના ધારાસભ્ય તેમના વિસ્તારના રોડ-રસ્તાના કામોને લઈ પ્રગતિ અને જરૂરિયાત અંગે રજૂઆતો કરી શકશે. જેનું નાયબ મુખ્યમંત્રી કચેરી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.