વાયુસેનાની તાકાતમાં આજે વધારો થશે. કારણ કે, લડાકુ વિમાન રાફેલ આજે ભારતીય વાયુસેના માં સામેલ થવાનું છે. જેનાથી નાપાક પાકિસ્તાન અને અવડચંડાઈ કરતા ચીનની ઊંઘ ઉડી જશે.
આ માટે અંબાલા એરબેઝ પર આયોજિત ઔપચારિક સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે ફ્રાંસના રક્ષા મંત્રી ફ્લોરેંસ પાર્લે અને ભારતના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ પણ સામેલ થશે.
સમારોહમાં ભાગ લેવા માટે ફ્રાન્સના મહિલા રક્ષામંત્રી આજે સવારે ભારત પહોંચશે અને બપોર બાદ ફરી ફ્રાન્સ રવાના થશે. સમારોહ બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થશે, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષા સહયોગને મજબૂત કરવાનો છે.
5 રાફેલ લડાકૂ વિમાનોનો પહેલો જથ્થો 29 જુલાઈએ ભારત પહોંચ્યો હતો. 2016માં ભારત તરફથી 59 હજાર કરોડ રૂપિયામાં 36 વિમાનોની ખરીદીના સરકારી કરાર કર્યાના ચાર વર્ષ બાદ પહેલો જથ્થો ભારત પહોંચ્યો હતો.
આ 36 વિમાનોમાંથી 30 વિમાનો લડાકૂ ક્ષમતાવાળા છે, જ્યારે કે, 6 વિમાનો બે સીટવાળા ટ્રેનિંગ વિમાન છે. જો કે જરૂર પડે તો આ ટ્રેનિંગ વિમાનને પણ યુદ્ધના મેદાનમાં ઉતારી શકાય તેવી ક્ષમતા છે.