અંતરિક્ષ પર જનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાને એક મોટુ સન્માન મળ્યું છે. એરસ્પેસ કંપની નોર્થ્રોપ ગ્રુમમેને તેના સિગ્નસ અવકાશયાને કલ્પના ચાવલા નામ આપ્યું છે. સિગ્નસ સ્પેસક્રાફ્ટ 29 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર છોડવામાં આવશે.
સિગ્નસ સ્પેસક્રાફ્ટના નિર્માતા નોર્થ્રોપ ગ્રુમમેને એક ટ્વીટમાં જાહેરાત કરી હતી કે ‘આજે આપણે કલ્પના ચાવલાનું સન્માન કરીએ છીએ, જેમણે નાસા ખાતે ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી તરીકે ઇતિહાસ રચ્યો હતો. આગળ કહ્યું ‘માનવસહિત અવકાશયાનમાં તેમના યોગદાનની કાયમી અસર પડી છે. મળો અમારા નવા સિગ્નસ યાન, એસ.એસ. કલ્પના ચાવલાને.
નોર્થ્રોપ ગ્રુમમેને કહ્યું, “કંપની દ્વારા અવકાશયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વ્યક્તિના નામ પરથી દરેક સિગ્નસનું નામ રાખવાની કંપનીની પરંપરા છે."
કલ્પના ચાવલા, 16 જાન્યુઆરી, 2003 ના રોજ, યુ.એસ. અવકાશયાન કોલમ્બિયન ક્રૂ તરીકે અવકાશમાં ગયેલી પ્રથમ ભારતીય મહિલા બની. 01 ફેબ્રુઆરી, 2003 ના રોજ અવકાશમાં 16 દિવસની યાત્રા કરી પરત ફર્યા બાદ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા પછી, અવકાશયાન કોલમ્બિયા દક્ષિણ અમેરિકામાં નિર્ધારિત ઉતરાણના 16 મિનિટ પહેલા ક્રેશ થયું હતું અને તેના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં કલ્પના ચાવલા સહિતના તમામ ક્રૂએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્રણ વર્ષ પછી સુનિતા વિલિયમ્સ 2006 માં ભારતીય મૂળના બીજા અવકાશયાત્રી બન્યા હતા.
કલ્પનાનો જન્મ 17 માર્ચ 1962 માં હરિયાણાના કરનાલમાં થયો હતો. તે આકાશને એટલો પ્રેમ કરતી હતી કે તે નાનપણથી જ વિમાન દોરતી હતી. 20 વર્ષની ઉંમરે, તે યુએસ સ્થળાંતર થઈ અને એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી નાસામાં કામ કરવાનું શરૂ કર્યું. 19 નવેમ્બર 1997 ના રોજ તેને પ્રથમ અવકાશમાં જવાની તક મળી. તેના કામથી ખુશ, નાસાએ તેને ફરીથી 16 જાન્યુઆરી 2003 ના રોજ અવકાશમાં મોકલી.