કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે
છેલ્લા ઘણા દિવસોથી એક દિવસમાં 90,000થી 1,00,000 સુધીના કેસ દરરોજ સામે આવી રહ્યાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એકવાર ફરી રાજ્ય સરકારો સાથે વાતચીત કરશે.
બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકોમાં આ રાજ્યોના આરોગ્ય મંત્રી પણ સામેલ થશે.
આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબ રાજ્ય સામેલ છે. આ રાજ્યમાં દેશના સૌથી વધારે કોરોના કેસ જોવા મળી રહ્યાં છે.
આ દરમિયાન PM મોદી આ રાજ્યોની સાથે હાલની પરિસ્થિતિ, અનલોકના પરિણામ, ટેસ્ટિંગને ઝડપ અને આગળની રણનીતિને લઇને ચર્ચા કરશે.આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓને માનીએ તો દેશમાં કુલ કોરોનાના 60 ટકા કેસ આ 7 રાજ્યોમાંથી આવે છે.
જેમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્ય સૌથી વધુ આગળ છે. જો કે, મંગળવારે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં હવે રિકવરી રેટમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે અને રોજ હજારોની સંખ્યામાં લોકો રિકવર થઇ રહ્યાં છે.