ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય મુદો બનેલા 59,000 કરોડના સોદામાં દાસોં, એમબીડીએ અત્યાધુનિક ટેકનોલોજી આપી નથી
36 રાફેલ ફાઈટર્સની ખરીદી માટે 2016માં કરવામાં આવેલા રૂા.59,000 કરોડના કરારમાં સામેલ ફ્રેંચ કંપનીઓ દાસોં એવિએશન અને એમબીડીએની ભારતને અત્યાધુનિક ટેકનોલોજી આપવા સંબંધી ઓફસેટ જવાબદારી પુરી નહીં કરવા બદલ ભારતીય ઓડીટ વોચડોગએ ઝાટકણી કાઢી છે.
કરાર મુજબ આ બન્ને ફ્રેંચ કંપનીઓએ કોન્ટ્રેકટ કિંમતની 50% રકમ ઓફસેટ અથવા ભારતમાં રોકાણ કરવાની હતી. સંસદમાં રજૂ થયેલા કેગના રિપોર્ટ મુજબ બન્ને કંપનીઓ ડીઆરડીઓને ઉંચી ટેકનોલોજી સ્વરૂપે તેમની ઓફસેટ જવાબદારીના 30% ડિસ્ચાર્જ કરવામાં નિષ્ફળ રહી હતી. સપ્ટેમ્બર 2015માં આ બન્ને કંપનીઓએ શરુઆતી ખાતરી આપી હતી.
રિપોર્ટમાં, અલબત, સ્વીકાર કરાયો છે કે સોદામાં ઓફસેટ જવાબદારી સોદા પર સહી થયાની તારીખથી સાત વર્ષ દરમ્યાન પુરી કરવાની હતી અને પ્રથમ ત્રણ વર્ષમાં આવી કોઈ જવાબદારી ઉભી થતી નથી.
રિપોર્ટમાં એ બાબતની પણ ટીકા કરવામાં આવી છે કે એમબીડીએ દ્વારા 57% અને દાસોં દ્વારા 58% ઓફસેટ જવાબદારી છેક સાતમા અથવા છેલ્લા વર્ષે (2023)માં નિભાવવાની થાય છે.
કેગના રિપોર્ટમાં કેટલાય સંરક્ષણ સોદા મામલે ટિપ્પણી કરાઈ છે, પણ રાફેલ સોદા સંબંધી અવલોકન એટલા માટે મહત્વનું બન્યું છે કે આ સોદો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ટકરાવનો મુદો બન્યો હતો. સુપ્રીમકોર્ટે ગત નવેમ્બરમાં 36 સપ્તાહના સોદાની તપાસ કરવા માટેની રિવ્યુ પિટીશન પણ ફગાવી દીધી હતી. રાફેલ સહિતના સોદાનો ઉલ્લેખ કરતાં કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે ઘણાં કેસોમાં વિદેશી કંપનીઓએ સપ્લાય કોન્ટ્રેકટ મેળવવા જુદી જુદી ઓફસેટ ખાતરી પ્રતિબદ્ધતા આપી હતી, પણ મોડેથી પોતાની જવાબદારી પુરી કરવા સંનિષ્ઠ હોતી નથી.
રાફેલ સોદામાં ડીઆરડીઓએ એપ્રિલ 2016માં દાસોં અને એમબીડીએ પાસે હસ્તગત કરવા 6 નવી ટેકનોલોજીની પહેચાન કરી હતી, પરંતુ આ બન્ને કંપનીઓ એમાંથી પાંચ ટેકનોલોજી ટ્રાન્સફર કરવા સંમત થઈ નહોતી, કેમકે આવી ટેકનોલોજીમાં તેમની મુખ્ય ક્ષમતા- મહારથ નહોતી.
ડીઆરડીઓની છઠ્ઠી દરખાસ્ત હળવા લડાકુ વિમાન માટે સ્વદેશી એન્જિનો બનાવવા માટે ટીમીકલ મદદ મેળવવાની હતી; પણ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ફ્રેંચ કંપનીઓ જરૂરી અપગ્રેડેશન માટે તેમની ક્ષમતા પુરવાર કરવામાં નિષ્ફળ રહી હતી.